મુંબઇમાં 10માં ધોરણની પરીક્ષા આપનાર વિદ્યાર્થીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ : 36 અન્ય સામે જોખમ

મુંબઇના એક 15 વર્ષિય વિદ્યાર્થીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાહેર થયું છે ધોરણ 10ની પરીક્ષામાં હાજર રહેલા મુંબઈના આ વિદ્યાર્થીનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવતાની સાથે ક્લાસમાં હાડર અન્ય વિદ્યાર્થીઓ ઉપરાંત પરીક્ષક અને અન્ય સ્ટાફ સહિત કુલ 36 જણા સામે જોખમ ઊભું થયું છે. 21 માર્ચના દિવસે આ વિદ્યાર્થીને કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે દિવસે આ વિદ્યાર્થીએ પરીક્ષા પણ આપી હતી.

આ વિદ્યાર્થીના પિતાને પણ કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, તેમને 19 માર્ચના દિવસે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે તેની સાથે પરીક્ષા ખંડમાં બીજા કયા વિદ્યાર્થીઓ અને શિક્ષક હાજર હતા તેમની જાણકારી BMC દ્વારા એકઠી કરવામાં આવી રહી છે.

ધોરણ 10નો આ વિદ્યાર્થી બોર્ડનું ઈતિહાસના વિષયનું પેપર આપીને ઘરે પરત ફર્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે જ્યારે પરીક્ષા આપવા ગયો હતો ત્યારે તે પરીક્ષા કેન્દ્રમાં કુલ 353 વિદ્યાર્થીઓ અને 9 શિક્ષકો હાજર હતા. કોરોના પોઝિટિવ એવા આ વિદ્યાર્થીએ જે ખંડમાં બેસીને પરીક્ષા આપી હતી ત્યાં 25 વિદ્યાર્થીઓ હાજર હતા. તે તમામ વિદ્યાર્થીઓને સરનામા હેલ્થ ડિપાર્ટમેન્ટને જણાવવામાં આવ્યા છે.

તે શાળાના મુખ્ય શિક્ષકે જણાવ્યું કે આ પરીક્ષા કેન્દ્ર પર તારીખ 4થી 21 માર્ચ દરમિયાન જે શિક્ષક અને સુપરવાઈઝર હાજર હતા તેઓનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. હવે રાજ્ય સરકાર પર એવા સવાલ પણ ઉઠાવવામાં આવી રહ્યા છે કે પરીક્ષાઓ મુલતવી રાખવા માટેનો નિર્ણય આટલો મોડો કેમ લેવામાં આવ્યો.