લોકડાઉનને પગલે મુંબઇથી બાઇક પર વારાણસી પહોંચેલો યુવાન હોસ્પિટલમાં દાખલ

દેશભરમાં લોકડાઉન 21 દિવસ સુધી વધારી દેવાયા પછી આજીવિકા કમાવા માટે પોતાનું વતન છોડીને અન્યત્ર સ્થાયી થયેલા લોકો લોકડાઉનના કારણે બેકાર બન્યા છે અને તેના કારણે મોટાભાગનાએ વતનની વાટ પકડી છે, જો કે ટ્રેન અને બસ સેવા બંધ હોવાથી ગુડરાત રાજ્યના લોકોએ પોતાના વતન જવા માટે પગપાળા જવાનો નિર્ણય કર્યો છે, ત્યારે વારાણસીનો એક યુવાન મુંબઇથી પોતાની બાઇક પર વારાણસી પહોંચ્ય હતો. જો કે બાઇક પર પોતાના વતન પહોંચેલા આ યુવાનમાં કોરોનાના લક્ષણ દેખાતા તેને હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો છે. શરદી-ઉધરસની ફરિયાદ પર બીએચયૂ હોસ્પિટલમાં તેની તપાસ થઈ રહી છે.

વારાણસી શહેર પાસે આવેલા ગંજારી ગામમાં રહેતો શેખ શમીમ મુંબઈની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મુંબઈમાં કોરોનાનો પ્રકોપ વધતા પહેલા તો તેણે ઓફિસ જવાનું જ બંધ કરી દીધું. સ્થિતિ વધારે વણસતા ઘરે પાછા જવા માટે ટ્રેનમાં રિઝર્વેશન કરાવ્યું, પરંતુ ટ્રેન કેન્સલ થઈ ગઈ. ઘરે પાછા જવા માટે શેખ શમીમે પોતાના મિત્રની સલાહ લીધી અને પછી બંને બાઈક લઈને નીકળી પડ્યા. ત્રણ દિવસની યાત્રા બાદ શેખ પોતાના ગામડે પહોંચ્યો. ઘરે ગયા બાદ શમીમની તબિયત ખરાબ થઈ ગઈ. ગ્રામજનોના કહેવા પર સ્વાસ્થ્ય વિભાગની ટીમ તેને બીએચયૂ હોસ્પિટલ લઈ ગઈ.

લોકડાઉનની સ્થિતિમાં પણ મંગળવારે કેટલાક વિદેશીઓ રસ્તા પર ટહેલતા જોવા મળ્યા. વારાણસી-કોલકાતા હાઈવેના મોહનસરાય વિસ્તારમાં ફ્રાંસના યુવકને જોઈને કેટલાક લોકોએ પોલીસને જાણ કરી દીધી. પોલીસ તેને પકડીને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ લઈ ગઈ. વારાણસી જિલ્લામાં 9500 મુસાફરો સહિત 9601 લોકોને હોમ ક્વોરન્ટીન કરવાનો નિર્ણય લેવાયો છે. મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય શહેરમાંથી સોમવારે ટ્રેન દ્વારા આવેલા 9500 મુસાફરોને થર્મલ સ્ક્રીનિંગ બાદ ઘરમાં જ રહેવાની સલાહ અપાઈ છે. સીએઓ ડો. વી.બી. સિંહે કહ્યું કે, હોટેલ, લોજ અને પેઈંગ ગેસ્ટમાં રહેતા 40 વિદેશી અને 55 હોટેલ સ્ટાફનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. તમામને 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટીનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે.