સુરતમાં કુલ 6 પોઝીટીવ કેસ, આરકેટી માર્કેટના 5537 લોકોને કોરોન્ટાઈનમાં રહેવા આદેશ

સુરતમાં કોરોના વાયરસનો વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે. જેથી આંકડો 6 પર પહોંચી ગયો છે. પાલિકા કમિશનરે જણાવ્યું હતું કે, આરકેટી માર્કેટના વેપારીનો રિપોર્ટ પોઝીટીવ આવતાં તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરોન્ટાઈનમાં રહેવા સૂચના આપી દેવામાં આવી છે. 21 દિવસના લોકડાઉનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે કોરોના વાઈરસ સામે લડવા માટે સુરતમાં 500 બેડની હોસ્પિટલ ઉભી કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં 250 બેડની હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી છે. જેને આવતીકાલે સાંજ સુધીમાં શરૂ કરી દેવામાં આવશે.

કોરોના વાયરસને પગલે તા. 31 માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત બાદ મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને વધુ 21 દિવસનું લોકડાઉન સમગ્ર દેશમાં જાહેર કરતા લોકોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો હતો. પીએમની અપીલ બાદ સુરતના માર્કેટ તેમજ મોલમાં અને કરિયાણાની દુકાનોમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી હતી.

21 દિવસ સુધી જીવન જરૂરી ચીજવસ્તુની લોકો સંગ્રહખોરી કરવા લાગ્યા હતા. જેને કારણે દરેક લોકો સુધી આવશ્યક ચીજ વસ્તુઓ આગામી દિવસોમાં પૂરતા પ્રમાણમાં મળવી જોઈએ તે ઉપલબ્ધ ન થવાની દહેશત વર્તાઈ છે. જ્યારે બે દિવસની આગાહીના પગલે શહેરના મોટા ભાગના વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે બિમારીમાં વધારો થવાની શક્યતાના પગલે ચિંતામાં વધારો થયો છે.

સુરતમાં વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે. જેથી પોઝિટિવનો આંકડો સાત પર પહોંચ્યો છે. જ્યારે એકનું મૃત્યું પણ નિપજ્યું છે. હાલ ચાર જેટલા શંકાસ્પદ છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. જેમાં દિલ્હીનો પ્રવાસ કરી આવેલી ડભોલીની 19 વર્ષીય યુવતી, શારજાહ અને ઝેક રીપબ્લીકનો પ્રવાસ કરી 16 તારીખે સુરત આવેલા વરાછાના 21 વર્ષીય યુવક અને કોઈ પણ ટ્રાવેલ હિસ્ટ્રી નથી એવા યોગીચોકના 28 વર્ષીય યુવક તેમજ ગોપીપુરાના 76 વર્ષીય વૃદ્ધને શંકાસ્પદ લક્ષણો જણાતા ચારેયને સ્મીમેર અને સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે.

હકીકતમાં વડાપ્રધાને લોકોને કોરોના વાયરસથી સાવચેત રહેવા જણાવ્યું છે. જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓ પ્રજાને નિરંતર મળી રહે તે માટેની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે. જેથી લોકોને જરૂરી વસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહે. પણ ખોટા હાઉના કારણે આવશ્યક વસ્તુની સંગ્રહખોરી વધી જતા તેનો સ્ટોક ખૂટી જવાની શક્યતા છે. સાથે જ ભાવ વધારાની નોબત આવે તો નવાઈ નહીં. જેથી લોકોએ જ પોતાની બુધ્ધિનો ઉપયોગ કરી પેનિક ફેલાવવાને બદલે સંગ્રહખોરી કરવાનું માંડી વાળવું જોઈએ તો જ દરેક ક્ષેત્રે કોરોના વાયરસની મહામારીને આપણે હરાવી શકીશું.