શિવરાજે વિશ્વાસનો મત જીત્યો, કોરોનાને લીધે ફ્લોર ટેસ્ટમાં કોંગ્રેસ ગેરહાજર

મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વિશ્વાસનો મત હાંસલ કર્યો છે. આજે સવારે 11 વાગે વિધાનસભાની કાર્યવાહી શરૂ થઈ હતી. શિવરાજે વિશ્વાસ મત રજૂ કર્યો. પણ કોરોનાને લીધે કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય ગૃહમાં પહોંચ્યા ન હતા. શિવરાજ સિંહે સર્વસમ્મતિથી વિશ્વાસ મત જીતી ગયા હતા. આ અગાઉ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

સોમવારે રાત્રે વિધાનસભાની કાર્યસૂચી જારી કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે મંગળવારે શિવરાજ વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કરે . મંગળવારે સવારે વિધાનસભા સત્ર શરૂ થયું હતું. શિવરાજ દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તે અગાઉ સ્પીકર એનપી પ્રજાપતિએ રાજીનામુ આપી દીધુ. વર્તમાન ગૃહમાં ધારાસભ્યોની સંખ્યા 206 છે. બહુમતી સાબિત કરવા માટે ભાજપે 104 બેઠકો જરૂરી છે, તેની પાસે 107 ધારાસભ્ય છે.

સ્પીકર એનપી પ્રજાપતિએ રાજીનામુ ડેપ્યુટી સ્પીકર હિના કાંવરેને સોંપ્યુ છે. વિધાનસભા સચિવાલયના જણાવ્યા પ્રમાણે વિધાનસભા સત્ર 27 માર્ચ સુધી ચાલશે. 25 માર્ચના રોજ ગુડી પડવો તહેવાર નિમિતે રજા છે. 26 માર્ચના રોજ સરકાર લેખાનુદાન રજૂ કરશે. આ સમયે નવા સ્પિકરની નિમણૂક થશે. 27 માર્ચના રોજ લેખાનુદાન પ્રસ્તાવ પર ચર્ચા બાદ તેને પસાર કરવામાં આવશે.

એક વર્ષ 3 મહિના અને 6 દિવસ બાદ શિવરાજ સિંહ ચૌહાણ ફરી વખત પ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. તેમણે રાજ્યપાલ લાલજી ટંડને રાજભવનમાં એક સાદા સમારંભમાં રાજ્યના 19માં મુખ્યમંત્રી તરીકે શપથ અપાવ્યા હતા. શિવરાજ ચૌથી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. કોરોના સંકટને પગલે થપથ કાર્યક્રમમાં ફક્ત 40 લોકો જ ઉપસ્થિત હતા. તેમની બેઠકની વ્યવસ્થા પણ એવી રીતે કરવામાં આવી હતી કે જેથી તેમની વચ્ચે ઓછામાં ઓછું એક મીટરનું અંતર રહે.

શપથ લીધા બાદ શિવરાજે કહ્યું કે અત્યારે એક જ પ્રાથમિકતા છે કે કોરોના સંક્રમણને અટકાવવામાં આવે. તે એક મોટો પડકાર છે. સૌ પ્રથમ સ્થિતિની સમિક્ષા કરવામાં આવશે અને તાત્કાલિક નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ શિવરાજ સીધા વલ્લભ ભવન પહોંચ્યા અને કોરોનાને લગતી એક ફાઈલ પર હસ્તાક્ષર કર્યા. ત્યારબાદ અધિકારીઓએ બેઠકમાં આવશ્યક પગલાં ભરવા આદેશ કર્યા.