મહારાષ્ટ્રમાં કર્ફ્યુ અમલમાં: તમામ જિલ્લાની સીમા સીલ

કરોનાને પગલે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ઓર કડક પગલાં ભર્યા છે. રાજ્યમાં 31 માર્ચ સુધી કર્ફ્યુ અમલમાં મુકવાની ઘોષણા મુખ્યપ્રધાને કરી છે. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓની સીમા સીલ કરવાનો આદેશ પણ મુખ્યપ્રધાને આપ્યો છે. સંચારબંધી દરમ્યાન પાંચ કરતા વધુ લોકોને રસ્તા પર એકત્ર ન થાય એવો આદેશ ઉદ્ધવ ઠાકરેએ આપ્યો હતો. મુખ્યપ્રધાને ફેસબુક લાઇવ પર મહારાષ્ટ્રની જનતાને સંબોધન કરતી વખતે મહત્ત્વના નિર્ણયોની ઘોષણા કરી હતી. નવી મુંબઈથી મુંબઈ તરફ આવતી ગાડીઓને રસ્તાની વચ્ચે જ અટકાવી દેવામાં આવી છે અને તમામ ગાડીઓને પાછા ફરવાનું જણાવવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને પ્રતિસાદ આપતા લોકોએ રવિવારે જનતા કર્ફ્યુને જબ્બર પ્રતિસાદ આપ્યો હતો. પરંતુ, આ બધા સાથે અનેક બાબતો ધ્યાનમાં લેવાવી જાઇએ. થાળી-ઘંટનાદ-તાળીઓ વગાડી એ કોરોના પર કાબુ મેળવવા માટે નહોતું. પણ, કોરોનાને નાથવા અને આવી ગંભીર પરિસ્થિતિમાં પણ લોકોની સારવાર કરી રહેલા મેડિકલ સ્ટાફ સહિત જહેમત ઉઠાવી રહેલા લોકોના અભિવાદન માટે હતું. આ બાબત ધ્યાનમાં રાખવાનું જણાવવાની સાથે ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં પાંચ કરતા વધુ લોકોના ભેગા થવાના આદેશનો ભંગ કરનારા તમામને આડે હાથ લીધા હતા. આજે અનેક વિસ્તારમાં લોકોએ રસ્તા પર ઉતરી કારણ વગર ભીડ કરી હોવાનું તથા વાહનો પણ મોટા પયા રસ્તા પર દોડતા હોવાનું મારા ધ્યાનમાં આવ્યું છે. એટલે જ રાજ્યમાં કર્ફ્યુ અમલમાં મુકવાનો નિર્ણય મારે લેવો પડ્યો એવી સ્પષ્ટતા મુખ્યપ્રધાને કરી હતી.

કરોના વિષયક સતત જાણકારી આપવી એ મારી ફરજ છે. આપણે હાલ નિર્ણાયક તબક્કામાં આવ્યા છીએ. કરોનાનો પ્રાદુર્ભાવ જો અત્યારે જ રોક્યો નહીં તો દુનિયામાં જે ચાલી રહ્યું છે એવો હાહાકાર મહારાષ્ટ્રમાં મચી શકે છે એવી ચેતવણી પણ મુખ્યપ્રધાને આપી હતી.

એ સાથે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ખાનગી વાહનો અત્યાવશ્યક કારણ હશે તો જ જઈ શકશે. રિક્ષા-ટેક્સીમાં પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત હશે. જીવનાવશ્યક ચીજવસ્તુઓ, દવા, અનાજ જેવી ચીજોની હેરાફેરી કરનારા વાહનોને પ્રતિબંધમાંથી બાકાત રખાયા છે. પશુઓનો ખોરાક, પશુઓના દવાખાના ખુલ્લા રહેશે. તમામ ધર્મોના પ્રાર્થના સ્થળો બંધ રહેશે. આંગણવાડી-હૉમગાર્ડ્ઝને પણ પ્રશિક્ષણ આપી વૈદ્યકીય સેવામાં સામેલ કરાશે. ઉપરાંત મુખ્યપ્રધાને ડોમેસ્ટિક વિમાની સેવા બંધ કરવા વડાપ્રધાનને વિનંતી કરી છે.