કોરોનાની સામે અમેરિકા ઘૂંટણીયે: એક જ દિવસમાં 10 હજાર કેસ, ટ્રમ્પે આપી ચેતવણી

અમેરિકામાં કોરોના વાયરસે હવે ચિતાજનક સ્થિતી સર્જી દીધી છે. કારણ કે કેસોની સંખ્યામાં એક દિવસમાં જ હજારોનો વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના 10 હજાર નવા કેસો સપાટી પર આવ્યા છે.

આની સાથે જ કેસોની સંખ્યા વધીને 46 હજારથી ઉપર પહોંચી ગઇ છે. જ્યારે મોતનો આંકડો વધુ ૨૯ લોકોના મોતની સાથે જ વધીને 582 સુધી પહોંચી ગયો છે. સમગ્ર અમેરિકામાં લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિવિધ પગલા લઇ રહ્યા છે પરંતુ કોરોનાએ તેની પક્કડ વધારે મજબુત કરી દીધી છે. અમેરિકામાં કોરોનાના કારણે પ્રભાવિત રહેલા લોકો પૈકી ૧૦૪૦ની હાલત હજુ ગંભીર જણાવવામાં આવી રહી છે જે સાબિત કરે છે કે કોરોના વાયરસે કેટલો હાહાકાર મચાવી દીધો છે.

ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા જુદા જુદા પગલા લેવાઈ રહ્યા છે પરંતુ અમેરિકામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. નવી વેક્સિન શોધવા ઉપર કામ ચાલી રહ્યું છે પરંતુ હજુ સમય લાગશે. ઇટાલી બાદ અમેરિકામાં પણ જે રીતે કેસોની સંખ્યા વધી રહી છે તે જોતા સમગ્ર દેશમાં હવે લોકડાઉનની સ્થિતી લાગુ કરવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે.