નવા 11 કેસ નોંધાતા ગુજરાતમાં કોરોનાના કુલ 29 પોઝિટીવ દર્દીઓ

સોમવારે ગુજરાતમાં કોરોના વાયરસના વધારે 11 જેટલા નવા કેસો સામે આવતા રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 29 સુધી પહોંચી ગઈ છે. સોમવારે અમદાવાદમાં કોરોનાના સૌથી વધારે 6 દર્દીઓ સામે આવ્યા. જ્યારે વડોદરામાં 3 અને સુરત-ગાંધીનગરમાં એક-એક નવા દર્દીઓ સામે આવ્યા હતા.

આ સાથે જ અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 13 સુધી પહોંચી ગઈ છે. જ્યારે વડોદરામાં 6 જેટલા કેસ, સુરત અને ગાંધીનગરમાં 4-4 કેસ, તથા રાજકોટ અને કચ્છમાં એક-એક કોરોના વાયરસના દર્દીઓ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સુરતમાં 69 વર્ષના એક વૃદ્ધનું રવિવારે કોરોના વાયરસના કારણે મૃત્યુ થયું હતું. ગુજરાતમાં કોરોના વાયરસથી મૃત્યુનો આ પહેલા કેસ હતો.

22મી માર્ચે રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં જનતા કર્ફ્યુની અપીલ કરી હતી. જોકે દિવસભર લોકો ઘરમાં પૂરાઈ રહ્યા. પરંતુ સાંજ પડતા જ લોકો થાળી અને લઈને જશ્ન હોય તેમ રસ્તા પર રેલીઓ કાઢવા નીકળી પડ્યા હતા. અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારોમાં લોકો રસ્તા પર ગરબા રમતા અને રેલી કાઢતા દેખાયા હતા. સોમવારે પણ 144ની કલમ લાગુ હોવા છતાં રસ્તા પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જેને જોતા આગામી સમયમાં દર્દીઓની સંખ્યા હજુ વધી શકે છે.

લોકો જાગૃતિના અભાવે રસ્તા પર નીકળ્યા રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના મેયર તથા મ્યુનિસિપલ કમિશનરે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરી હતી. ઉલ્લખનીય છે કે ભારતમાં સોમવારે 75 નવા કેસ સાથે અત્યાર સુધી 390 જેટલા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે અને 7 લોકોના તેમાં મોત થયા છે. સરકાર દ્વારા લોકડાઉન કરવા છતાં પણ લોકો સાંભળી નથી રહ્યા અને પોતાનો તથા પરિવારજનોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.