લોકડાઉન: દેશભરમાં ચારેતરફ સન્નાટો, લોકો ઘરોમાં કેદ

કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે 23 રાજ્યો અને 82 જિલ્લાઓમાં આજથી લોકડાઉનનો પ્રારંભ થયો છે. આજથી 31મી સુધી યાત્રી ટ્રેન સેવા રદ્દ કરવામાં આવી છે. બસ વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. દિલ્હી સહિતના રાજ્યોમાં આજે સવારથી લોકડાઉન શરૂ થતા જ અનેક વિસ્તારોમાં દૂધ અને શાકભાજી તથા રાશન લેવા લોકોની ભીડ જામી હતી.

આજથી તમામ દુકાનો, ફેકટરીઓ, વર્કશોપ, ખાનગી અને સરકારી કાર્યાલયો, ગોદામો અને બજારો સંપૂર્ણ રીતે બંધ રહ્યા છે. લોકોને ઘરમાં જ રહેવા જણાવાયુ છે. માત્ર જરૂરી સામાન લેવા જ ઘરની બહાર લોકો નિકળી શકશે અને તે પણ ઘરની આસપાસ. જો કે જરૂરી ચીજવસ્તુઓ વેચતી દુકાનો ખુલી રહી છે. જેમકે દુધની દુકાનો, કરીયાણા સ્ટોર, મેડીકલ સ્ટોર, બેન્ક, અખબારો વગેરે. વિજળી અને પાણી વિભાગ પણ ચાલુ રહ્યો છે. સફાઈ કર્મચારીઓએ પણ આજે ફરજ બજાવી હતી.

ગુજરાતના રાજકોટ સહિત 6 મહાનગરોમાં લોકડાઉનનો આજથી પ્રારંભ થયો છે. લોકડાઉન દરમિયાન દુકાન અને ઓફિસ ખુલ્લી રાખનારાઓને જેલમાં ધકેલી દેવા ચેતવણી આપી દેવામાં આવી છે. જે દુકાનો ખુલી હતી તેને બંધ કરાવવા માટે પોલીસ અને કોર્પોરેશનની ટીમો કામે લાગી છે. શહેરોમાં બસ, ટ્રેન, બીઆરટીએસ સહિતની પરિવહન સેવાઓ પણ બંધ રહી છે. ખાનગી વાહનો પણ નહિવત સંખ્યામાં દોડી રહ્યા છે. જેના કારણે રાજમાર્ગો પર સન્નાટો છવાયો છે. દેશના કુલ 23 રાજ્યોમાં આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે.

અત્રે નોંધનીય છે કે વડાપ્રધાને લાંબી લડાઈ લડવા લોકોને અનુરોધ કર્યો છે. તેમણે એક ટવીટ કરી લોકડાઉનને ગંભીરતાથી લેવા જણાવ્યુ છે. પંજાબ, રાજસ્થાન, ઉતરાખંડ, દિલ્હી, છત્તીસગઢ, તેલંગણા, બિહાર, મહારાષ્ટ્ર, ઝારખંડમાં 31મી સુધી લોકડાઉન છે, તો પ.બંગાળમાં 27મી સુધી બંધ રહેશે. દરમિયાન જાણવા મળ્યા મુજબ આજે અમદાવાદમાં લોકડાઉન હોવા છતા લોકો બહાર નિકળ્યા છે. પોલીસ અને તંત્રએ તેઓને ઘરની બહાર ન નીકળવા તાકીદ કરી છે.