રવિવારે નવા 5 કેસ નોંધાતા ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો 18 પર પહોંચ્યો

ગુજરાતમાં આજે વધુ 5 કેસ નોંધાયા છે,  તેની સાથે જ રાજ્યમાં પોઝિટિવ દર્દીઓનો આંકડો  18 પર પહોંચી ગયો છે એવું રવિવારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે. . અમદાવાદમાં 7, સુરતમાં 3, વડોદરામાં 3, ગાંધીનગરમાં 3, રાજકોટમાં 1 અને કચ્છમાં 1 કેસ કોરોના વાયરસનો પોઝિટિવ આવ્યો છે. આ દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં આઈસોલિશન વોર્ડમાં સારવાર હેઠળ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ક્વોરન્ટાઈન કરાયેલા લોકોની સંખ્યા પણ ઘણી મોટી છે.

ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 273 કેસનો કોરોના વાયરસની તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જેમાંથી 18ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેમાં આજે 5નો ઉમેરો થયો છે. નીતિન પટેલે આ આંકડાઓની માહિતી આપવાની સાથે જણાવ્યું કે, રાજ્યમાં વિદેશથી આવી રહેલા દર્દીઓને ક્વોરન્ટાઈન કરાવાનું કડકાઈથી શરુ કરવામાં આવ્યું છે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જે દર્દીઓને ક્વોરન્ટાઈન પર રાખવામાં આવ્યા છે, તેમને કડકાઈથી સૂચના આપી છે કે જે પોતાના ઘરમાં ક્વોરન્ટાઈન હેઠળ હોય તેમને અધિકારીઓ સ્વસ્થ જાહેર ના કરે ત્યાં સુધી ઘર છોડવાનું નથી. ગુજરાતમાં ઘરે ક્વોરન્ટાઈન થયેલા લોકોનો આંકડા પ્રમાણે અમદાવાદમાં 650, ગાંધીનગરમાં 223, સુરતમાં 590 આ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં ક્વોરન્ટાઈન કરાયેલા છે. જેમને 14 દિવસ સુધી ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.

સરકારી વ્યવસ્થા હેઠળ જેમને ક્વોરન્ટાઈન કરાયા છે તેવા લોકોમાં અમદાવાદના 381, ગાંધીનગરમાં 2, આ સિવાય સુરતમાં પણ કેટલાકને સરકારી વ્યવસ્થામાં ક્વોરન્ટાઈન કરાયા છે. નીતિન પટેલે જણાવ્યું કે આખા ગુજરાતમાં 6092 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન હેઠળ છે.

ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 324 પર પહોંચ્યો છે જ્યારે અત્યાર સુધીમાં 6ના મોત થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં કોરોના વાયરસની ચપેટમાં આવનારા લોકોની સંખ્યા 3,00,000ને પાર થઈ ગઈ છે, જેમાં 13,000થી વધુ લોકોના મોત થઈ ગયા છે.