કોરોનાના પ્રકોપ વચ્ચે મુંબઇ કલ્યાણના કપલે ઘરે માસ્ક બાંધીને સાદાઇથી લગ્ન કરી લીધા

મુંબઇ નજીક આવેલા થાણેમાં કોરોનાના પ્રકોપ વચ્ચે થયેલા એક અનોખા લગ્ન વર અને કન્યા બંનેને યાદ રહી જશે. કોરોનાવાયરસના જોખમને સમજીને અને તેને ફેલાતો અટકાવવા માટે સમાજીક અંતર જાળવી રાખવાની જરૂરિયાતને સમજીને આ કપલે પોતાના ઘરમાં જ સાદાઇથી લગ્ન કર્યા હતા અને તેમના આ અનોખા લગ્નના સાક્ષી માત્ર 20 મહેમાનો બન્યા હતા. આ લગન દરમિયાન માત્ર વર કન્યા જ નહીં પણ ઉપસ્થિત તમામે માસ્ક ધારણ કર્યો હતો. માત્ર 20 મહેમાનોની હાજરીમાં પતિ-પત્નીએ વરમાળા પહેરાવવાની સાથે એકબીજાને માસ્ક પણ બાંધ્યા હતા.

રવિવારના જનતા કર્ફ્યુને ધ્યાને લઇને શુક્રવારે સાદાઇથી લગ્ન કર્યા

કલ્યાણના રૂપેશ જાધવે વાગદત્તા પ્રિયંકા સાથે પોતાના ઘરે જ લગ્નનો સમારોહ અત્યંત સાદાઇથી સંપન્ન કર્યો હતો. અગાઉ તેમના લગ્ન રવિવારે થવાના હતા, પરંતુ આ દિવસે જનતા કર્ફ્યુની પીએમ દ્વારા અપીલ કરવામાં આવી હોવાથી કપલે રવિવારને બદલે શુક્રવારે જ પોતાના લગ્ન સંપન્ન કરી દીધા હતા. પોતાના લગ્નમાં પ્રિયંકાએ સફેદ સાડી પહેરી હતી, અને રૂપેશે સફેદ ઝભ્ભો-લેંઘો. આ લગ્નમાં મહેમાનો પણ કોરોનાથી સુરક્ષિત રહે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. લગ્નમાં સેનેટાઈઝરની ખાસ સુવિધા કરવામાં આવી હતી, અને મહેમાનોને પણ માસ્ક આપવામાં આવ્યા હતા. ભગવાન બુદ્ધ અને બાબાસાહેબ આંબેડકરની તસવીરોને માળા અર્પણ કરાઈ તેમની સામે રૂપેશ અને પ્રિયંકાના લગ્ન સંપન્ન થયા હતા.

મહેમાનોએ એકબીજાને અડીને ઉભા રહેવાના બદલે સુરક્ષિત અંતર રાખીને ફોટા પડાવ્યા

ફોટોસેશનમાં પણ લગ્નમાં હાજર મહેમાનોએ એકબીજાને અડીને ઉભા રહેવાના બદલે સુરક્ષિત અંતર રાખીને ફોટા પડાવ્યા હતા. રુપેશે જણાવ્યું હતું કે, પોતાના લગ્નને કારણે કોઈ મહેમાનને કોરોનાનો ખતરો ન રહે તે માટે તેમણે ખાસ ધ્યાન રાખ્યું હતું. પ્રિયંકા પોતાના લગ્ન ધામધૂમથી કરવા ઈચ્છતી હતી, પરંતુ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તે પણ સાદાઈથી લગ્ન માટે તૈયાર થઈ ગઈ હતી. જાધવ પરિવારના મિત્ર વિજય સાલ્વીના જણાવ્યા અનુસાર, આ અનોખા લગ્ન બધાને હંમેશા યાદ રહેશે. હાલના સમયગાળામાં જેમના લગ્ન છે તેમણે પણ કોરોનાથી પોતે અને મહેમાનોને બચાવવા માટે રુપેશ અને પ્રિયંકાના લગ્નમાંથી બોધપાઠ લેવો જોઈએ. રુપેશ અને પ્રિયંકાએ પોતાના લગ્ન માટે ડીજે, મેરેજ હોલ, કેટરિંગ બધાનું એડવાન્સ પેમેન્ટ કરી દીધું હતું, પરંતુ આ બધું કેન્સલ કરાવવામાં તેમને મોટું આર્થિક નુક્સાન પણ ભોગવવું પડ્યું હતું.