કાળા બજાર પર રોકઃ સરકારે સેનિટાઇઝર,માસ્કના ભાવ નક્કી કર્યા

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકાર દેશભરમાં સજાગતા અભિયાન ચલાવી રહી છે, ત્યારે લોકો પણ આ રોગ સામે લડવા માટે સાવધાનીરૂપે બધાં ઘરના સભ્યો માટે માસ્ક અને સેનેટાઇઝરની ખરીદી કરી રહ્યા છે. પરંતુ બજારમાં માસ્ક અને સેનિટાઇઝરની કૃત્રિમ અછત ઊભી કરીને કેટલાય વેપારીઓ બજાર કિંમતથી ઘણી ઊંચી કિંમતે આ વસ્તુઓ વેચી રહ્યા છે.

કેન્દ્ર સરકારે દેશમાં વેચાતા સેનિટાઇઝર અને માસ્કની છૂટક કિંમતો નક્કી કરી દીધી છે. કન્ઝ્યુમર બાબતોના પ્રધાન રામ વિલાસ પાસવાને ટવિટ કરીને આ માહિતી આપી હતી. વળી, તેમણે એ પણ કહ્યું હતું કે સરકારે જે કિંમતો નક્કી કરી છે એ 30 જૂન-2020 સુધી અમલમાં રહેશે.

હેન્ડ સેનિટાઇઝરની 200 એમએલ બોટલની છૂટક કિંમત 100થી વધુ નહીં હોય. અન્ય આકારની બોટલોની કિંમત પણ આ જ રીતે રહેશે. વળી, આ કિંમતો30 જૂન-2020 સુધી દેશ આખામાં લાગુ રહેશે. જ્યારે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ બે અને ત્રણ પ્લાય માસ્કમાં ઉપયોગમાં લેવાતા ફેબ્રિકની કિંમત પણ એ જ રહેશે, જે 12 ફેબ્રુઆરી-2020એ હતી. બે પ્લાય માસ્કની છૂટક કિંમત 8 અને ત્રણ પ્લાયની માસ્કની કિંમત 10થી વધુ નહીં હોય.

દેશભરમાં કોરોના વાયરસ પ્રસરતાં દેશમાં સેનિટાઇઝર અને માસ્કની માગમાં અચાનક ઉછાલો આવ્યો હતો. જેથી કેટલાય વેપારીઓએ એનું બ્લેક માર્કેટિંગ શરૂ કર્યું છે અથવા તો એની ખૂબ ઊંચી કિંમત વસૂલી રહ્યા છે. જે સેનિટાઇઝર પહેલાં 70થી 80માં વેચાતા હતા, એ હવે  250ની કિંમતે વેચાઈ રહ્યા છે. બજારમાં કેટલાંય નકલી ઉત્પાદનો પણ આવી ગયાં છે. આ જ રીતે 50માં વેચાતા માસ્કની કિંમત વધીને 20-થી 300 સુધી પહોંચી ગઈ છે.

કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાને ત્રણ ટવિટ કર્યા હતા. જેમાં લખ્યું હતું કે કોરોના વાયરસનાં પ્રસરવાથી બજારમાં વિભિન્ન ફેસ માસ્ક, એના ઉત્પાદનમાં લાગતી સામગ્રી અને હેન્ડ સેનિટાઇઝરની કિંમતોમાં ભારે વધારો જોવા મળ્યો છે. સરકારે એને ગંભીરતાથી લઈને એની કિંમતો નક્કી કરી દીધી છે.