ગુજરાતમાં કોરોના કેસની કુલ સંખ્યા સાત થઈ

ગુજરાત આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગે સત્તાવાર રીતે જણાવ્યું છે તે ગુજરાતમાં કોરોના વાયરસનાં સાત કેસ પોઝીટીવ નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધી 150 સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. જેમાં 123 દર્દીના ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. આ કેસમાંથી સાત દર્દીઓના ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે.

રાજકોટનાં 32 વર્ષીય પુરુષ યુએઈના મદીનાથી મુંબઈ આવ્યા હતા. તેમને કોરોનાનાં લક્ષણ જણાઈ આવ્યા હતા. તેમના બ્લડ સેમ્પલ જામનગરની એમપી શેઠ શાહ મેડીકલ કોલેજ ખાતે તપાસ માટે મોકલવામાં આયા હતા. આ પુરુષના સંપર્કમાં આવેલા 15 જણાને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

અમદાવાદની યુવતી અમેરિકાથી પરત આવી હતી અને તેને પણ તકલીફ થતાં એસવીવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ યુવતીની સાથે સંકળાયેલા 18 જણાને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

અમદાવાદના 34 વર્ષીય મહિલા ફિનલેન્ડથી પરત ફર્યા હતા. તેમને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા ત્રણ જણાને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં બીજા બે કેસ મળી આવતા અમદાવાદમાં પાંચ કેસ નોંધાયા છે.

સુરતની રહીશ અને લંડનથી પર ફરેલી 21 વર્ષીય યુવતી પણ કોરોનાની ઝપટમાં આવી છે. 16મી તારીખે વિદેશથી સુરત આવ્યા બાદ ઉઘરસ, શરદી અને ખાંસીએ ઉથલો માર્યો હતો. આ યુવતીના સંપર્કમાં આવેલા નવ જણાને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

વડોદરાના 49 વર્ષીય પુરુષને કોરોના વળગી ગયું છે. હાલ વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. તેમની સાથે સંપર્કમાં આવેલા બે જણાને કોરોન્ટાઈન કરવામા આવ્યા છે.

અમદાવાદ અને સુરત એરપોર્ટ પર અત્યાર સુધી 389 ફ્લાઈટમાં કુલ 35 મુસાફરોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતે કુલ 559 મુસાફરોનું સ્ક્રીનીંગ કરાયું છે. જેમાં 63 મુસાફરોને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. જ્યારે 492 મુસાફરોનું હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યું છે. જેમને 14 દિવસના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે તેમની તબિયત સારી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.