કનિકાની પાર્ટીમાં જવાનું ભારે પડ્યું, વસુંધરા રાજે અને દુષ્યંતસિંહને કરવું પડી રહ્યું છે હોમ કોરોન્ટાઈન

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ સ્વીકાર્યું છે કે તેઓ અને તેમના પુત્ર દુષ્યંતસિંહે લખનૌમાં પ્રખ્યાત બોલિવૂડ ગાયિકા કનિકા કપૂરની પાર્ટીમાં ભાગ લીધો હતો. જોકે બંને નેતાઓ હવે હોમ કોરોન્ટાઈનમાં છે. બોલિવૂડની જાણીતી સિંગર કનિકા કપૂર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કનિકા કપૂરે રવિવારે લખનૌના ગેલેંટ એપાર્ટમેન્ટમાં પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં તમામ ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓએ ભાગ લીધો હતો.

વસુંધરા રાજે અને તેમના પુત્ર અને ભાજપના સાંસદ દુષ્યંત સિંહ પણ પાર્ટીમાં પહોંચ્યા હતા. બંને નેતાઓના પાર્ટીમાં જોડાવાની માહિતી મળ્યા બાદ રાજકીય કોરિડોરમાં હંગામો મચી ગયો છે. વસુંધરા રાજેએ કહ્યું કે થોડા દિવસો પહેલા દુષ્યંત અને તેના સાસરિયાઓ સાથે લખનૌમાં જમવા ગયા હતા.

વસુંધરા રાજેએ કહ્યું કે કોરોના પોઝીટીવ જાહેર થયેલી સિંગર કનિકા કપૂર ડિનરમાં અતિથિ તરીકે પણ હાજર હતી. સાવચેતી તરીકે, હું અને દુષ્યંત હાલ હોમ કોરોન્ટાઈન હેઠળ છીએ અને અમે બધી જરૂરી સૂચનાઓનું પાલન કરી રહ્યા છીએ.

દુષ્યંત ગુરુવાર અને શુક્રવારે સંસદમાં પણ પહોંચ્યા હતા, જોકે હવે તેઓ આઈસોલેસનમાં છે. જ્યારે ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને સંસદ સત્ર સ્થગિત કરવાની માંગ કરી છે. બે દિવસ પહેલા સ્થાયી સમિતિની બેઠકમાં તેઓ દુષ્યંતસિંહની બાજુમાં બેઠા હતા.

દુષ્યંતસિંહે સંસદમાં અનેક સાંસદો સાથે વાતચીત પણ કરી હતી અને સેન્ટ્રલ હોલમાં પણ જોવા મળ્યા હતા. લોકસભામાં તેમની બાજુમાં બેઠેલા નિશીકાંત દુબેએ જણાવ્યું કે દુષ્યંત સિંહ હવે આઈસોલેશનમાં છે. મહામારી કોરોના વાયરસનો સામનો કરવા છતાં સંસદનું સત્ર ચાલી રહ્યું છે. આ સ્થિતિમાં ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. કેટલાક સાંસદોએ સત્ર મુલતવી રાખવાની માંગ કરી છે. જોકે પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું છે કે સંસદનું સત્ર ત્રીજી એપ્રિલ સુધી ચાલશે.