ચકલીઓના સંરક્ષણ માટે ગ્રીનમેન વિરલ દેસાઈએ કરી નવી પહેલ, ઉધના રેલ્વે સ્ટેશનની કાયાપલટ

આજકાલ શહેરોમાં ચકલીઓની સંખ્યા ઘણી ઘટી રહી છે અને કેટલાક વિસ્તારો તો એવા છે, જ્યાં સમ ખાવા પૂરતીય ચકલીઓ રહી નથી. એવા સમયે પર્યાવરણવાદી વિરલ દેસાઈ શહેરોમાં ચકલીઓની સંખ્યા વધે એ માટે પ્રશંસનીય પગલું ભર્યું છે, જ્યાં તેમણે ગુજરાતભરમાં અનેક લોકોને ચકલીઓના માળાની ભેટ આપી છે તો ગ્રીન ઉધના સ્ટેશન પર પણ તેમણે મોટા પાયે ચકલીઓના માળા, ફીડર અને પાણીની વ્યવસ્થા કરી છે.

ઉલ્લેખનીય છે કે વિરલ દેસાઈએ ઉધના સ્ટેશન પાસે ઈન્ડિયન રેલવેનું પ્રથમ અર્બન ફોરેસ્ટ તૈયાર કર્યું છે, જ્યાં તેમણે 1100થી વધુ નેટિવ વૃક્ષોનું રોપણ કર્યું છે. આ વનમાં હવે અનેક પક્ષીઓ આવનજાવન કરતા થઈ ગયા છે, પરંતુ ત્યાં અન્ય મોટા પક્ષીઓની સરખામણીએ ચકલીઓ ઓછી આવે છે. જેનો ઉકેલ કાઢતા તેમણે ઉધના પાસેના અર્બન ફોરેસ્ટ પર ચકલીઓના માળા, તેમના ખોરાક માટે ફીડર અને પાણીની વ્યસ્થા કરી છે, જેથી ચકલીઓએ ખોરાક-પાણી માટે ઝાઝો સંઘર્ષ ન કરવો પડે અને તેઓ આસાનીથી વસવાટ કરી શકે.

આ સંદર્ભે તેઓ કહે છે, ‘હાલના સમયમાં શહેરોમાં ચકલીઓની હાજરી સંદર્ભના જે આંકડા આવી રહ્યા છે એ અત્યંત ચોંકાવનારા છે. આપણી ઈકો સિસ્ટમથી લઈ આપણા સાહિત્ય કે આપણા બાળપણની યાદોમાં ચકલીઓનું અનન્ય સ્થાન છે અને એટલે જ શહેરોમાં ચકલીઓની સંખ્યા વધારવાની બાબતે હું અત્યંત ગંભીર છું. આપણે જો આપણા ઘરની આસપાસ કે ઘરની બાલકની-બારીઓમાં ચકલીઓના માળાની વ્યવસ્થા કરી આપીશું તો જરૂર ચકલીઓ એમાં આવશે અને નિર્ભયપણે જીવશે, જેને પગલે તેમની સંખ્યામાં પણ વધારો થશે.’

તમને જણાવી દઈએ કે આ રીતે વિરલ દેસાઈએ ચારસોથી વધુ માળાઓનું વિતરણ કર્યું છે અને લોકોને ચકલીઓના સંરક્ષણ માટે પહેલ કરી છે.