કોરોનાના જાહેરનામાનાં ભંગનો ગુજરાતમાં પ્રથમ કેસ, અમદાવાદના હોમ કોરોન્ટાઈન વ્યક્તિ વિરુદ્વ પોલીસ ફરીયાદ

કોરોનાની મહામારીના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા અગમચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. કોરોના અસરગ્રસ્ત દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી રહ્યા છે, જ્યારે કોરોનાગ્રસ્ત દર્દીના સંસર્ગમાં આવેલા લોકોને હોમ કોરોન્ટાઈન કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

આજે બપોરે સમકાલીને હોમ કોરોન્ટાઈન અંગે લોકો બિન્ધાસ્ત ફરી રહ્યા હોવાનો અહેવાલ પ્રસિદ્વ કર્યો હતો અને ગુજરાત સરકારે હોમ કોરોન્ટાઈન અંગે ગંભીરતાથી કાર્યવાહી શરૂ કરી છે.

વિગતો મુજબ અમવાદાવાદના ડેપ્યુટી હેલ્થ ઓફીસર ડો. અશ્વિન ખરાડીએ(પૂર્વ વિરાટ નગર-ઝોન કચેરી,અમદાવાદ) હોમ કોરોન્ટાઈન અંગે સરકારના જાહેરનામાનો ભંગ કરી રહેલા ઓઢવના વ્યક્તિ વિરુદ્વ ગુનો દાખલ કર્યો છે.

ઓઢવના પાંજરાપોળ ખાતે રહેતી વ્યક્તિ તાજેતરમાં સિંગાપોરથી અમદાવાદ આવી હતી. તથા તાજેતરમાં ચાલતા કોરોના રોગને અનુસંધાને  સરકાર દ્વારા વિદેશથી આવેલા નાગરિકોને 14 દિવસ હોમ કોરેન્ટાઇનમા રહેવાની સૂચના આપવામાં આવી છે. આ અંગે આરોગ્ય વિભાગે ઓઢવના વ્યક્તિ હોમ કોરોન્ટાઈન હેઠળ છે કે નહીં તેની તપાસ કરતાં આ વ્યક્તિ પોતાના ઘરે હોમ કોરોન્ટાઈન થયેલી જણાઈ આવી ન હતી. આ અંગે ડો.અશ્વિન ખરાડીએ આ વ્યક્તિ વિરુદ્વ ઇપીકો કલમ 270, 188, તથા તથા ધ એપેડેમીક ડિસિઝ એકટ 1897 મુજબની ફરીયાદ આપી હતી. પોલીસે આ વ્યક્તિ વિરુદ્વ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.