ચીનના યૂનાન પ્રાંતના ગામમાં 14 હાથીઓ 30 લિટર દારૂ પીને ખેતરમાં જ થયા લંપોટ

કોરોનાને કારણે વિશ્વના અલગઅલગ દેશોમાં લોકોએ પોતાને પોતાના ઘરોમાં લોકડાઉન કરી લીધા છે. થોડા સમય પહેલા વેનિસનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં નદીનું પાણી ફરી સ્વચ્છ થઇ ગયું છે. માછલીઓ પાછી ફરી છે અને બતકો પણ દેખાવા માંડી હોવાનું દર્શાવીને કહેવાયું હતું કે નેચર પોતાની મેળે પોતાની જાતને યોગ્ય કરવા માંડ્યું છે. હવે એવા અહેવાલ આવ્યા છે કે જયાંથી કોરોનાનો ઉદભવ થયો તે ચીનના એક પ્રાંતના ગામમાં હાથીઓ ઘુસી આવ્યા અને 30 લિટર દારૂ પીને ખેતરમાં જ સુઇ ગયા.

અહેવાલો અનુસાર ચીનના યૂનાન પ્રાંતના એક ગામમાં 14 હાથીઓનું એક ઝુંડ ઘુસી આવ્યું હતું. ગામમાં ઘુસીને આ હાથીઓએ પોતાનો કેર વર્તાવ્યો હતો અને પહેલા તેમણે મકાઇ સહિતની વસ્તુઓ ખાવા્ માટે ફેંદવા માંડી હતી, જો કે આમ કરવામાં તેમના હાથે મકાઇનો દારૂ ચડી ગયો હતો અને એ 30 લિટર દારૂ હાથીઓના ઝુંડે પોતાના પેટમાં ઉતારી લીધો હતો.

આ હાથાીઓના ફોટાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયા છે, જેમાં ખેતરમાં ફરી રહેલા હાથીઓના ફોટાની સાથે એ ખેતરમાં સુતેલા હાથીઓનો ફોટો પણ જોવા મળે છે. આ હાથીઓ જાણે કે ઘોડા વેચીને સુતા હોય તેમ આરામથી નિંદર માણી રહેલા હોય તેવું ફોટોને જોતા લાગે છે. ટિ્વટર પર શેર કરવામાં આવેલા આ ફોટોને જોઇને લોકોએ ભાતભાતની કોમેન્ટ કરી હતી, જેમાં કોઇકે તો એવી કોમેન્ટ પણ કરી હતી કે હાથીઓને હેંગઓવર થઇ ગયું છે.