વડોદરામાં વૃદ્વાને પાણીમાં ખેંચી ગયો મગર, વૃદ્વા લડતા રહ્યા, પણ….

વડોદરા જિલ્લાના ગોરજ ગામે સ્થિત દેવ નદીમાં અરેરાટીપૂર્ણ બનાવ બન્યો છે. કાળજા કંપાવી નાંખે તેવી ઘટના બની છે. જેમાં નદી કિનારે કપડા ધોતી 70 વર્ષીય મહિલાને વિશાળ મગર પાણીમાં ખેંચી ગયો હતો. જોકે, લોહીનો ફુવારો ઉડતા રહ્યા ત્યાં સુધી વૃદ્વા લડતા રહ્યા અને બચાવની બૂમો પાડતાં રહ્યા. તેમની હિંમતને જોઈને કેટલાક સ્થાનિક યુવાનોએ પણ પોતાનો જીવ જોખમમાં મૂક્યો અને મહિલાની મદદ માટે દોડી આવ્યા. અને તેમને મગરના કાળમુખા મોંમાંથી બહાર કાઢ્યા હતા.

જોકે, ભારે રક્તસ્રાવને કારણે મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે મગર મહિલાને મોંમાં કચડી નાંખવા તૈયાર છે. આ દરમિયાન, મગર દ્વારા હુમલો થતાં લોહીના ફુવારા ઉડતા જણાય છે. આ દ્રશ્યો જોઇને કેટલાક યુવકો હથિયાર લઈને નદીમાં કૂદી પડે છે. અને મહિલાને મગરના મોંમાંથી બહાર કાઢ્વાનો પ્રયાસ કરે છે. આ યુવકોએ મહિલાને બચાવી હોસ્પિટલમાં મોકલી આપી હતી. જોકે, તેઓ વૃદ્વાનો જીવ બચાવવામાં સફળ રહ્યા ન હતા.

સંવાદદાતાના જણાવ્યા મુજબ મૃતક મહિલાની ઓળખ 70 વર્ષીય ઝવેરબેન લક્ષ્મણભાઇ પરમાર તરીકે થઈ છે. તેઓ ગોરજ ગામના રહેવાસી હતા. અને જ્યારે નદીએ કપડા ધોવા આવ્યા ત્યારે આ ઘટના બની હતી. મગરના મોંમાં ફસાઈ ગયા હોવા છતાં, મગરનો તેમણે જોરદાર પ્રતિકાર કર્યો હતો. લોકો તેંની પ્રશંસા કરી રહ્યા છે. ઘટના અંગેની જાણ થતાં વન વિભાગ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને આ મગરને પકડવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.