સરકારની લાલ આંખ: હેન્ડ સેનેટાઇઝર્સ, માસ્ક, દવાઓનું કાળા બજાર કરતી 73 દુકાનોને તાળાં મારી દેવાયા

હાલમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે તકેદારીના ભાગરૂપે અને મોટા ભાગના કિસ્સામાં ખોટા ભયના કારણે હાલ માર્કેટમાં માસ્ક તથા હેન્ડ સેનેટાઇઝર્સની મોટા પ્રમાણમાં માંગ ઉભી થયેલી છે. આ પરિસ્થિતિમાં અમુક દવાના વેપારીઓ દ્વારા આ માસ્ક તથા હેન્ડ સેનેટાઇઝર્સના વધુ ભાવ લઇને ગ્રાહકો સાથે છેતરપીંડી થતી હોવાની ફરિયાદો ધ્યાને આવતાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની 25 જેટલી ટીમો દ્વારા રાજ્યભરમાં ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

રાજ્યનાં મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે 355 જેટલી દવાઓની દુકાનોની તપાસણી કરતાં તે પૈકી અમદાવાદ-30, સુરત-18, રાજકોટ- 15 અને વડોદરા-10 એમ કુલ 73 દવાઓની દુકાનોમાં માસ્ક તથા હેન્ડ સેનેટાઇઝર્સના કાળાબજાર ધ્યાને આવ્યા છે. આ તમામ 73 દવાઓની દુકાનોને તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવી છે અને તેઓની સામે કાયદેસરની કામગીરી શા  માટે  ન કરવી તે  માટે  શો-કોઝ નોટીસ પાઠવવામાં આવી હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરે યાદીમાં જણાવ્યું છે.

ચેકીંગ દરમ્યાન માર્કેટમાં બે જુદી-જુદી બ્રાન્ડની હેન્ડ સેનેટાઇઝર્સ વગર પરવાને ઉત્પાદિત થયેલા અને નકલી જણાતાં હેન્ડ સેનેટાઇઝર્સના ઉત્પાદકો (1) બેકરબ હેન્ડ સેનેટાઇઝર, ઉત્પાદક-હાઇઝીન, મકરપુરા,વડોદરા અને (2) એચ.કે. હેન્ડ સેનેટાઇઝર્સ, ઉત્પાદક-માં ખોડલ કેમિકલ્સ, ઓઢવ, અમદાવાદ આ બન્ને પેઢીઓ પાસેથી મોટી સંખ્યામાં વગર લાયસન્સે બનાવવામાં આવેલ બનાવટી હેન્ડ સેનેટાઇઝર્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તેમજ બજારમાંથી આશરે 10 હેન્ડ સેનેટાઇઝર્સના નમુના લેવામાં આવ્યા છે અને ચકાસણી અર્થે આ નમૂનાઓ ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે. આ બન્ને પેઢીઓ વિરુધ્ધ Drug & Cosmetics Act ના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી માટે તપાસ શરૂ કરવામાં આવી  છે તેમ કમિશનરે જણાવ્યું છે.

કોરોના વાયરસના હાવથી ગભરાયેલા માણસોને માસ્ક તથા હેન્ડ સેનેટાઇઝર્સ સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી.કોશિયા દ્વારા ગુજરાતના માસ્ક તથા હેન્ડ સેનેટાઇઝર્સનું ઉત્પાદન કરતાં ઉત્પાદકો સાથે બેઠક કરી તેઓને 24×7 ઉત્પાદન ચાલુ રાખવાનાં આદેશ આપ્યા છે તેમજ તેઓને કોઇપણ તકલીફ પડે તો તંત્ર તરફથી દરેક પ્રકારની મદદ કરવાની અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.