હવે નિર્ભયા કેસના કસુરવારોનો નવો પેંતરો, કોરોનાનું કારણ આગળ ધરી ફાંસી ટાળવાની માગ કરી

હાલમાં દેશ સહિત વિશ્વભરમાં કોરોનાએ પોતાનો પ્રકોપ ફેલાવ્યો છે અને બધા તેનાથી ત્રસ્ત છે ત્યારે નિર્ભયા ગેંગરેપ કેસના ચારેય આરોપીઓએ પોતાની ફાંસી ટાળવા કોરોનાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. નિર્ભયા ગેંગરેપના દોષિતોને હવે ફાંસીના માચડે લટકાવવામાં આવે તેના માટે 24 કલાક કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. આમ છતાં આરોપીઓ હજુ પણ ફાંસીની તારીખને રદ કરવા માટે પેંતરા કરી રહ્યા છે. હવે દોષિતોએ કોરોના વાયરસના નામે એક નવી ચાલ ચાલી છે. આરોપીઓને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરીને ફાંસી રોકવાની માંગ કરી છે. આ અરજીમાં દોષિતોએ દેશમાં ફેલાયેલા કોરોના વાયરસનું કારણ આગળ ધરીને કહ્યું છે કે, આ સમય ફાંસી માટે યોગ્ય નથી.

ફાંસી પર લટકાવવા માટે જેલ ઓથોરિટીએ 10 વધુ કર્મચારીઓ અલગ-અલગ જેલમાંથી ફાંસી આપવાની જેલ નંબર-3માં તાત્કાલિક શિફ્ટ કરાયા છે. 20 માર્ચ સુધી પોતાની ડ્યુટી આ જ જેલમાં રહી. બુધવારે ફાંસીનું રિહર્સલ કરવામાં આવ્યું, જેમાં સફળતા મળી છે. જેલ અધિકારીઓએ જણાવ્યું કે 20 માર્ચની સવારે 5:30 વાગ્યે ચારે આરોપીઓને ફાંસી માચડે લટકાવી દેવામાં આવશે, આ માટે તેમને 3 વાગ્યે ઉઠાડી દેવામાં આવશે. જોકે, પોતાની ફાંસીના દિવસને જોતા આરોપીઓને 19-20 માર્ચની રાત્રે ઉંઘ આવવી મુશ્કેલ છે. પણ 20 માર્ચે સવારે ત્રણ વાગ્યે ઉઠાડીને તેમને નહાવાનું અને નાસ્તો કરવા અંગે પૂછવામાં આવશે. જો તેમની ઈચ્છા હશે તો નહાશે બાકી એવું જરુરી નથી.

ફાંસીના બે તખ્તા પર ચાંર હેંગર બનાવવામાં આવ્યા છે, જ્યાં આ ચારેને ફાંસી પર લટકાવવામાં આવશે તેમના તખ્તાનું લીવર જલ્લાદ પવન અને અન્ય જેલ સ્ટાફ ખેંચશે. તેના માટે જેલ નંબર-3ના સુપ્રિટેન્ડન્ટ ગ્રીન સિગ્નલ આપશે. જોકે, જેલના એક અન્ય અધિકારીએ જણાવ્યું કે ગુરુવારે આ દોષી એકવાર પટિયાલા હાઉસ કોર્ટ અને આર્ટિકલ 32 હેઠળ સુપ્રીમ કોર્ટ જઈ શકે છે. એવામાં ગુરુવારના (આજના દિવસે) આખો દિવસ કાર્યવાહી ચાલી શકે છે, જેનો ચુકાદો આવવામાં રાત પણ પડી શકે છે. પણ હવે તેમની ફાંસી ટળવી મુશ્કેલ છે, કારણ કે સીધી રીતે આ ચારેનો હવે કોઈ કાયદાકીય અધિકાર બાકી બચતો નથી.

અધિકારીઓનું કહેવું છે કે આમ તો ચારેના મૃતદેહ પોસ્ટમોર્ટમ ડીડીયુ હોસ્પિટમાં કરવામાં આવશે, પણ કાયદાકીય વ્યવસ્થાની કોઈ સમસ્યા ઉભી થશે તો તેમનું અન્ય હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી શકે છે. પોસ્ટમોર્ટમ ડૉક્ટરોની પેનલ દ્વારા કરાશે. જેની વિડીયોગ્રાફી પણ કરાશે. આ તરફ ચારેમાંથી એક અક્ષયના પરિવારજનો હજુ સુધી તેની અંતિમ મુલાકાત માટે પહોંચ્યા નથી. જો ગુરુવારે 12 વાગ્યા સુધી અક્ષયના પરિવારજનો નહીં મળી તો તેમની અંતિમ મુલાકાત શક્ય નથી.