કોરોનાના પ્રકોપ વચ્ચે માસ્ક મેરેજ : વર-કન્યા, ગોર મહારાજ, જાનૈયા તમામ માસ્કમાં

કોરોના વાયરસે એવો પ્રકોપ ફેલાવ્યો છે કે જ્યાંને ત્યાં તેની જ ચર્ચા થાય છે, આ વાયરસે જ્યાં નજર ફેરવો ત્યાં પોતાની અસર પાડી છે અને તેમાંથી લગ્ન સમારોહ પણ બાકાત રહ્યા નથી. આવા સમયે એક યુગલે કોરોનાને ધ્યાને લઇને માસ્ક મેરેજ કર્યા હતા. મતલબ કે આ મેરેજમાં વર અને કન્યા જ નહીં પણ ગોર મહારાજ ઉપરાંત તમામ જાનૈયા પણ માસ્ક ધારણ કરીને આવ્યા હતા. વર અને કન્યાએ પોતાના આ ખાસ દિવસ માટે ઘણાં સપના સેવ્યા હશે પરંતુ તેમને ખબર નહીં હોય કે આ રીતે માસ્ક પહેરીને તેમના લગ્ન થશે. કોરોના વાયરસના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે. લોકો ઘરની બહાર નીકળતા ખચકાઈ રહ્યા છે. ત્યારે મુંબઈના એક કપલે કોરોનાના કહેર વચ્ચે લગ્ન કર્યા છે. લગ્ન દ્વારા કપલે લોકોને સાવધાની રાખવાનો સંદેશો આપ્યો છે.

મુંબઈના ભાંડુપમાં બુધવારે કપલના લગ્ન થયા. મુંબઈમાં કોરોના વાયરસના ઘણા કેસ સામે આવી ચૂક્યા છે. ત્યારે કપલના પરિવારે લગ્ન મોકૂફ રાખવાના બદલે સાવધાની રાખીને જાનનું સ્વાગત કર્યું હતું. સતીશ અને સુપ્રિયાએ પોતાના લગ્ન દ્વારા લોકોને સાવધાની રાખવાનો સંદેશ આપ્યો હતો.વરરાજા સતીશે લીલા રંગનું માસ્ક પહેર્યું હતું. કોરોના વાયરસને ઠેંગો બતાવીને સાત ફેરા લેનારા સતીશનો ઉત્સાહ જરાપણ ઓછો નહોતો. લગ્નમાં આવેલા તમામ મહેમાનો માટે માસ્કની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જાનમાં આવેલા તમામ લોકોએ માસ્ક પહેર્યા હતા. લગ્ન કરાવવા આવેલા ગોર મહારાજે પણ માસ્ક પહેરીને મંત્રોચ્ચાર કર્યા હતા.લગ્નમાં આવેલા તમામ લોકોના ચહેરા પર માસ્ક હતા. સાથે જ તેઓ સમજદારીપૂર્વક એકબીજાથી અંતર પણ જાળવતા જોવા મળ્યા હતા. ગયા મહિને ફિલિપિન્સમાં પણ એક સામૂહિક લગ્નમાં આ રીતે જ માસ્ક પહેરીને જીવનભર સાથે રહેવાના વચનો અપાયા હતા. 220 યુગલોએ માસ્ક પહેરીને લગ્ન કર્યા હતા.