કોરોનાએ રૂપિયાને રડાવ્યો : પહેલીવાર ડોલર સામે સ્પર્શી 75ની સપાટી

વિશ્વભરમાં કોરોનાવાયરનેસ કારણે શેરબજારો અનેં ઉદ્યોગ ધંધાની પનોતી આવી ગઇ હોય તેવી સ્થિતિ છે. શેરબજારમાં કડાકા પર કડાકા બોલી રહ્યા છે. ક્રુડ ઓઇલ લપસીને સાવ તળીયે આવી ગયું છે, સોનાના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે રૂપિયો તેમાંથી કઇ રીતે બાકાત રહી શકે. ગુરૂવારે રૂપિયો બપોરના કામકાજમાં ઓલટાઇમ લો સપાટીએ પહોંચી ગયો હતો. અમેરિકન ડોલરની સરખામણીએ રૂપિયો 90 પૈસાથી વધુ તૂટીને 75.16ના લેવલે પહોંચી ગયો હતો.

સવારે પ્રારંભિક કામકાજમાં રૂપિયો અમેરિકન ડોલર સામે 70 પૈસા લથડીને 74.96ની સપાટીએ પહોંચ્યો હતો. દેશમાં કોરોના વાયરસના વધતા કેસ અને અર્થતંત્ર પર તેની અસરને ધ્યાને લઇને વિદેશી રોકાણકારો શેરબજારમાં વેચવાલી કરી રહ્યા છે, જેની અસર રૂપિયા પર જોવા મળી રહી છે. શેરબજારમાં ઝડપી ઘટાડો અને વિદેશી ફંડ સતત બહાર જવાથી વ્યવસાયીઓમાં ચિંતા વધી રહી છે. ફોરેક્સ બજારમાં રૂપિયો બુધવારના બંધ 74.26ની સામે 70 પૈસાની નબળાઇ સાથે 74.96ના લવલે ખુલ્યો હતો.