કોરોના વાયરસ : પ્લાસ્ટિક, સ્ટીલ હવામાં ક્યાં સુધી જીવતો રહી શકે છે

ચીનથી આવેલા કોરોના વાયરસે દુનિયાભરના દેશોમાં પોતાનો પ્રકોપ વર્તાવ્યો છે, ત્યારે જર્નલ ઓફ હોસ્પિટલમામ ગત અઠવાડિયે પ્રકાશિત થયેલા એક અહેવાલમાં કોરોના વાયરસ સંબંઘિત એક માહિતી સામે આવી છે કે આ વાયરસ કઇ વસ્તુ પર કેટલો સમય સુધી જીવતો રહે છે, તે બાબતે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. રિસર્ચ અનુસાર કોરોના વાયરસ હવામાં થોડા કલાકો સુધી અને કોઈ સપાટી પર અમુક દિવસો સુધી જીવતો રહી શકે છે. જો કે, સપાટી પર કોરોના વાયરસ કેટલા દિવસ સુધી જીવતો રહેશે તે સપાટી કઈ છે તેના પર આધારિત છે.

નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ (NIH), સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC), પ્રિન્સટન યુનિવર્સિટી અને યુસીએલએ દ્વારા ‘ધ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન’માં એક રિસર્ચ પ્રકાશિત કર્યું છે. રિસર્ચ પ્રમાણે, આ વાયરસ હવામાં લગભગ 3 કલાક સુધી જીવિત રહી શકે છે. જણાવી દઈએ કે, જ્યારે કોઈ વ્યક્તિ છીંકે અથવા ઉધરસ ખાય ત્યારે તેના થૂંકના કણ દ્વારા આ વાયરસ હવામાં ફેલાય છે અને આશરે 3 કલાક સુધી જીવતો રહી શકે છે. પ્લાસ્ટિક અને સ્ટીલની સપાટી પર કોરોના વાયરસ 2-3 દિવસ જીવતો રહી શકે છે. તો કાર્ડ બોર્ડ પર આ વાયરસ લગભગ 24 કલાક જીવિત રહી શકે છે. જો સપાટી કોપરની હોય તો આ વાયરસ લગભગ 4 કલાક જીવિત રહી શકે છે.

આ રિસર્ચમાં SARS-COV-2 એટલે કે કોવિડ-19 વિશે અન્ય મહત્વની જાણકારી આપતા જણાવાયું છે કે, હવા દ્વારા પણ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગી રહ્યો છે અથવા તો કોઈ સપાટીને અડવાથી પણ ઈન્ફેક્શન થઈ શકે છે. શોધકર્તાઓએ જાણ્યું કે, આ વાયરસ હવા અને સપાટી પર કેટલાક દિવસ સુધી જીવતો તો રહી શકે છે પરંતુ સમયની સાથે તેની લોકોને સંક્રમિત કરવાની ક્ષમતા ઘટતી જાય છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કોરોના વાયરસથી આખી દુનિયામાં 2 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે અને 8 હજારથી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં લગભગ 150 જેટલા લોકોને ચેપ લાગ્યો છે અને 3નાં મોત થયા છે. હજી સુધી આ વાયરસની રસી શોધાઈ નથી જેના કારણે તે વધુ જીવલેણ બન્યો છે.