મુંબઈમાં કોરોનાને લઈને માર્કેટો વારાફરતી રહેશે બંધ, રસ્તા ખાલીખમ્મ, ટેક્સીના 25200 પૈડાં થંભી ગયા

દેશમાં કોરોનાના સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. કુલ દર્દીઓની સંખ્યા 45ની થઈ છે. કોરોનાના ખોફથી અડધું મુંબઈ બંધ થઈ ગયું છે અને માર્ગો સુમસામ જણાય રહ્યા છે. મુંબઈમાં આજથી 50 ટકા બજાર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીએમસી નક્કી કરશે કે કઈ બજાર ક્યારે ખુલશે? એટલે કે આજથી 50 ટકા બજાર બંધ રહેશે એટલે કે એક દિવસે એક બજાર બંધ રહેશે તો બીજા દિવસે બીજી કોઈ બજાર બંધ રહેશે. જેમાં શોપીંગ સેન્ટર અને નાની દુકાનો પણ સામેલ છે.

આ પગલું મુંબઈના રસ્તાઓ ઉપર ભીડ ઓછી કરવા માટે લેવામાં આવ્યું છે. આનાથી માર્ગો પર લોકોની ભીડ 50 ટકા થઈ જશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ, ટ્રેનો, બસોમાં પણ યાત્રિક ક્ષમતાને ઘટાડવામાં આવેલ છે. 50 ટકા લોકોના હિસાબથી જ મુંબઈમાં બસો અને ટ્રેનો ચાલશે. બીએમસી બજાર ખોલવાના મામલે એક પરિપત્ર પર કામ કરી રહી છે. જેમાં નક્કી થશે કે કયા રસ્તા પર કઈ બજાર, દુકાનો, સેન્ટર બંધ રાખવામાં આવશે. જે અનુસાર કેટલીક દુકાનો સવારે તો કેટલીક બપોરે ખુલશે. કોરોનાથી બચવા માટે મહારાષ્ટ્ર સરકાર એલર્ટ છે. સ્કૂલ, કોલેજ, જીમ, સ્વિમિંગ પૂલ, સિનેમા હોલ બંધ કરી દેવામાં આવ્યા છે.

પબ, ડીસ્કોથેક, ડાન્સબાર, લાઈવ ઓરકેસ્ટ્રા બાર અને ડીજે મ્યુઝિક ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જાહેર સ્થળ પર થૂંકવા પર 1000નો દંડ લાગશે. ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાના આદેશો અપાયા છે. સરકારી ઓફિસોમાં પણ 50 ટકા કર્મચારીઓને કામ કરવા જણાવાયું છે. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન હેઠળ આવતી રેસ્ટોરન્ટ પણ બંધ કરાયા છે. ફળો, શાકભાજી અને અનાજ સપ્લાય કરતી એપીએમસી બજાર સપ્તાહમાં બે દિવસ બંધ રહેશે.

બધા પર્યટન સ્થળ બંધ કરી દેવાયા છે. મુંબઈમાં આ બધા નિર્દેશો 31 સુધી અમલી રહેશે. મુંબઈમાં કોરોનાનો ખોફ જોવા મળી રહ્યો છે. બજારો સુમસામ જોવા મળી રહી છે. વેપારીઓ નવરાધૂપ બેઠા છે. ગોદામોમાં સામાન પડ્યો છે પરંતુ ખરીદનારા નથી. આયાત-નિકાસ ઠપ્પ છે. બધી બજારોમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. વેપારીઓને ખબર નથી કે ક્યારે સ્થિતિ સામાન્ય બનશે. વેપારીઓ ગભરાય રહ્યા છે.

શેરબજાર હોય કે સોના-ચાંદી હોય બધામાં કોરોનાની અસર પડી છે. શેરબજારના ઘટાડાથી ઝવેરીબજારની સાથે પ્રોપર્ટી બજાર પણ ધ્વસ્ત થઈ ગયું છે. હોટલોમાં કોઈ ગ્રાહક આવતું નથી. ફાઈવ સ્ટારથી લઈને સામાન્ય હોટલો ખાલી દેખાય રહી છે. હોટલોને રોજનું 100 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.

ટેકસી સેવા પણ બંધ જેવી છે. 25200 પૈડાં થંભી ગયા છે. રોજ 125 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. એરલાઈન્સ પણ બંધ થઈ ગઈ છે. એરપોર્ટ પર મુસાફરો નહિવત જોવા મળી રહ્યા છે. પર્યટકો નહીં આવતા ખાણીપીણીના સ્ટોલ પણ ખાલીખમ છે. મહામારીએ ફૂટપાથ પર બેસી વેચનારા લોકોને પણ નુકસાન પહોંચાડ્યું છે. ક્રોફર્ડ માર્કેટ, દાદર, શિવાજી પાર્ક, ચર્ચગેટ સ્ટેશનથી પણ હોકર્સ ગાયબ છે. લોકલ ટ્રેનોમાં ભીડ ઓછી જણાય રહી છે. મુંબઈમાં કોરોનાએ કરફ્યુ જેવો માહોલ ઉભો કરી દીધો છે.