શેરબજારને તાળાબંધી કરવાનો આ દેશમાં કરાયો આદેશ

કોરોના વાઈરસ સાથે વૈશ્વિક મંદી પ્રબળ બનતા વિશ્વભરના શેરબજારોમાં ફેલાયેલા ગભરાટને કારણે ફિલિપાઈન્સના સત્તાધીશોએ શેરબજાર સહિતના તમામ ફાઈનાન્શીયલ માર્કેટને બંધ કરવાનો આદેશ આપ્યો છે. તો બીજી તરફ સ્પેન, ઈટાલી અને ફ્રાન્સના સત્તાવાળાઓ દ્વારા બજારના કડાકા રોકવા શોર્ટ સેલિંગ પર નિયંત્રણ લાદવા કવાયત હાથ ધરી છે. વૈશ્વિક સ્તરે વકરી રહેલી મંદીને ખાળવા હવે એક પછી એક દેશના શેરબજારોના સત્ત્।ાવાળાઓ શોર્ટ સેલિંગ પર નિયંત્રણ લાદવાનું પગલું ભરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

બીજી તરફ ફિલિપાઈન્સે તો શેરબજાર સહિતના ફાઈનાન્સિયલ માર્કેટને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. અગાઉ કોરોના વાઈરસને કારણે ચીને જાન્યુઆરીમાં સપ્તાહથી વધુ સમયગાળા દરમિયાન શેરબજારમાં કામકાજ અટકાવ્યા હતા, જેનું અનુકરણ હવે વૈશ્વિક શેરબજાર લઈ રહ્યા છે. ફિલિપાઈન્સનું ૧૮૮ અબજ ડોલરનું માર્કેટ કેપ ધરાવતું શેરબજાર હવે ગુરૂવારે સત્તાવાર ખોલવામાં આવશે. ચીનની બહાર વકરી રહેલા કોરોના વાઈરસને કારણે ફિલિપાઈન્સ પ્રથમ શેરબજાર છે જેણે કામકાજ બંધ કરવાની જાહેરાત કરી હતી. વૈશ્વિક સ્તરે કોરોનાના કહેરને કારણે આર્થિક ગ્રોથ તળિયે ગબડવાની અને આકરી મંદીનો સામનો વિશ્વ કરવા તરફ આગળ વધી રહ્યું હોવાની દહેશતની પાછળ એશિયાથી લઈ યુરોપ અને અમેરિકાથી લઈને લેટિન અમેરિકા સુધીના શેરબજારમાં કડાકો બોલાયો છે અને હજી સ્થિરતા આવવાનું નામ નથી લેતી.