લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાની આશંકા

લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા એક વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાની આશંકા છે, તેના પગલે ગુજરાતમાં કોરોનાનો પહેલો પોઝિટિવ કેસ નોંધાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. લુણાવાડાની હોસ્પિટલમાં દાખલ આ વ્યક્તિ સાઉદી અરેબિયાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. આ વ્યક્તિનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાને સત્તાવાર સમર્થન પ્રાપ્ત થયું નથી. સૂત્રોનું માનીએ તો, સિવિલ હોસ્પિટલે કરેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, અને તેની વધુ ખરાઈ કરવા માટે આ વ્યક્તિના સેમ્પલને પુણે સ્થિત વાયરોલોજી ઈન્સ્ટિટ્યૂટ ખાતે મોકલવામાં આવ્યો છે.

લુણાવાડાના આ દર્દી તાજેતરમાં જ મક્કા-મદીનાની યાત્રાથી પરત ફર્યાનું જાણવા મળી રહ્યું છે. અહેવાલો પ્રમાણે કેનેડાથી પરત ફરેલા એક વ્યક્તિમાં પણ કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને મંગળવારે સિવિલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે. કેટલાક અખબારોએ સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. ગુણવંત રાઠોડને ટાંકીને જણાવ્યું છે કે, ઘણીવાર રિઝલ્ટ 100 ટકા ના મળે તેવું પણ બનતું હોય છે. જોકે, શંકાસ્પદ પોઝિટિવ કેસ અંગે તેમણે કંઈ કહેવાનો ઈનકાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, સાઉદી અને ઈરાનમાં કોરોના વાયરસના કેસ દેખાયા છે, ત્યારે ત્યાંથી પરત ફરેલા ભારતીયોનું પણ સ્ક્રિનિંગ કરાઈ રહ્યું છે. ગલ્ફ દેશોમાંથી પરત આવતા લોકોને હાલ ફરજિયાત 14 દિવસ આઈસોલેશનમાં રહેવા માટે પણ આદેશ જારી કરાયા છે.

સુરતમાં પણ તાજેતરમાં લંડનથી પરત ફરેલી એક યુવતીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને સિવિલમાં દાખલ કરાઈ હતી. આ યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જોરદાર અફવા ફેલાતા કોર્પોરેશને આ મામલે સ્પષ્ટતા કરવી પડી હતી. ગુજરાતમાં અત્યારસુધી અનેક શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ કરાવાઈ ચૂક્યા છે, પરંતુ કોઈને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું નથી, અને મોટાભાગના દર્દીઓને રજા પણ આપી દેવાઈ છે.