અટકળોનો અંત: કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ-ભરતસિંહમાંથી કોઈએ ફોર્મ ખેંચ્યું નહીં, ચૂંટણી બનશે રોમાંચક

ગુજરાતમાં રાજ્યસભાની ચાર સીટ માટે 26મી માર્ચે ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપે ત્રીજો ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા બાદ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના રાજીનામાને પગલે કોંગ્રેસમાં મોટી મોકાણ સર્જાઈ હતી અને બદલાયેલી સ્થિતિમાં કોંગ્રેસનો એક ઉમેદવાર ફોર્મ પરત ખેંચે તેવી ફોર્મ્યુલા પર વિચારણા કરવામાં આવી હતી.

આજે ફોર્મ પાછું ખેંચવાની આખરી તારીખ હતી અને બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચવાનું હતું પરંતુ કોંગ્રેસના બન્ને ઉમેદવારોમાંથી કોઈ પણ ચૂંટણી પંચની કચેરીએ આવ્યું ન હતું. કોંગ્રેસના બન્ને ઉમેદવારમાંથી એકેય ઉમેદાવારે ફોર્મ ખેંચ્યું ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ જણાવ્યું કે કોંગ્રેસના બન્ને ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. એકેય ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું નથી. કોંગ્રેસના બન્ને ઉમેદવારો વિજ્યી બનશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે.

તમને જણાવી દઈએ કે ગઈકાલે જયપુર અન દિલ્હી ખાતે ગુજરાતમાંથી એક સીટ પર જ ચૂંટણી લડવાની ફોર્મ્યુલા સાથે પરેશ ધાનાણી અને અમિત ચાવડાને બન્ને સીટ પર લડવા માટે સોનિયા ગાંધી વતી કેસી વેણુગોપાલે રજૂઆતો સાંભળી હતી. અને અંતે બન્ને સીટ પર લડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.