કોંગ્રેસમાં જોડાવા અંગે સીકે રાઉલજી વિધાનસભામાં બોલ્યા, “જોજો કોંંગ્રેસ જેવા હાલ ન થાય, સિનિયરોને સાચવો”

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીના અનુસંધાનમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનમા આપ્યા બાદ સોશિયલ મીડિયામાં ભાજપના ધારાસભ્ય સીકે રાઉલજીનો ફોન બંધ છે અને તેઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોવાના મેસેજ ફરી રહ્યા છે ત્યારે સીકે રાઉલજીએ વિધાનસભામાં મેસેજ અંગે ખુલાસો કર્યો છે.

સીકે રાઉલજીએ ગુજરાત વિધાનસભામાં જાહેરાત કરી છે કે હું કોંગ્રેસમાં જોડાવાનો નથી. ફરતા થયેલા મેસેજ પાયાવિહોણા છે. મારો એક કૂદકો કોંગ્રેસ અને એક કૂદકો ભાજપમાં રહેતો હતો પણ હવે મારો એક કૂદકો ભાજપમાંથી સીધો લાકડા પર (એટલે કે અંતિમ શ્વાસ સુધી ભાજપ સાથે) રહેશે.

આ સાથે જ તેમણે ભાજપની નેતાગીરીને ચેતવા જેવા ઉચ્ચારણો પણ કર્યા હતા. તેમણે ભાજપના સંગઠન અને સરકારને કહ્યું કે મારી કોઈ આશા અપેક્ષા નથી પણ સિનિયરોની આશા અને અપેક્ષા કરવામાં આવે અને કોંગ્રેસ જેવા હાલ ન થાય ત પાર્ટીએ જોવાનું રહે છે.

સીકે રાઉલજીએ 2017માં કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં એન્ટ્રી કરી હતી. તેઓ શંકરસિંહ વાઘેલાના વિશ્વાસુ મનાતા હતા અને સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેસેજમાં પણ વાયા વાઘેલા બાપૂ સીકે રાઉલજી કોંગ્રેસન સપોર્ટ કરી રહ્યા હોવાનું જણાવવામાાં આવ્યું હતું.