જુલાઇ-સપ્ટેમ્બરમાં આઇપીએલ 13નું આયોજન કરવાની બીસીસીઆઇની તૈયારી

હાલમાં વિશ્વભરમાં પોતાનો પ્રકોપ બતાવી રહેલા કોરોનાવાયરસને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નીિ 13મી સિઝનનું આયોજન 29 માર્ચથી 15 એપ્રિલ પર સ્થગિત કરી દેવાયા પછી શનિવારે ફ્રેન્ચાઇઝી માલિકો સાથે થયેલી એક કોન્ફરન્સમાં બીસીસીઆઇના અધિકારીઓએ પ્લાન બી અંગે પણ વિચારણા કરી હતી અને તે દરમિયાન એવું નક્કી કરાયું હતું કે ટૂર્નામેન્ટ જુના શેડ્યુલ પ્રમાણે 60 દિવસ જ રમાશે. જો અત્યારે સંભવ નહિ થાય તો આ સીઝન જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન તેનું આયોજન કરવામાં આવી શકે છે.

જો કે પ્લાન બી પર કોઇ સહમતિ થઇ નથી અનેં પ્લાન એ પર જ હાલમાં તો ફોકસ છે. આઇસીસીના એફટીપી મતલબ કે ફ્યુચર ટ્રાવેલ પ્લાનને ધ્યાને લેવામાં આવે તો જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન આઇપીએલ યોજી શકાય છે. એશિયા કપ T-20નું આયોજન સપ્ટેમ્બરમાં દુબઇમાં થવાનું છે. આ દરમિયાન પાકિસ્તાન ઇગ્લેન્ડના પ્રવાસે જશે.ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનને બાદ કરતાં અન્ય કોઈ દેશ આ દરમિયાન એટલા વ્યસ્ત નથી.

બીસીસીઆઇ જૂન-જુલાઈમાં શ્રીલંકા સામેની વનડે અને T-20 સીરિઝ પણ પોસ્ટપોન્ડ કરવા અંગે વિચારી રહ્યું છે. બોર્ડનું માનવું છે કે જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન આખી સીરિઝ રમી શકાય છે. 2009માં દક્ષિણ આફ્રિકામાં આખી ટૂર્નામેન્ટ 37 દિવસમાં રમાઈ હતી. 5 અઠવાડિયા અને 2 દિવસ. બોર્ડના અધિકારીએ કહ્યું કે, ટૂર્નામેન્ટ અર્ધી ભારતમાં અને અર્ધી વિદેશમાં રમાઈ શકે છે. તેમજ શક્ય હોય તો આખી ટૂર્નામેન્ટ વિદેશમાં શિફ્ટ થઈ શકે છે. આ બધું એ બાબત પર નિર્ભર કરે છે કે તે સમયે ગ્લોબલી કોરોનાનો ઈંપેક્ટ કેવો રહ્યો છે.