એક અફવા એવી ચાલી અને દેશની આ મોટી બેન્કના 11 હજાર કરોડ ડૂબી ગયા

યસ બેન્ક પર આરબીઆઈનાં પ્રતિબંધ બાદ દેશની જુદી જુદી બેન્કોના ગ્રાહકો અને રોકાણકારોનું ટેન્શન વધ્યું છે. ગ્રાહકો તેમની બચત અને થાપણો પર સવાલ ઉભા કરી રહ્યા છે, તો રોકાણકારો રોકાણ અંગે ચિંતિત છે.

જોકે, ગ્રાહકોનો વિશ્વાસ વધારવા માટે બેન્કો દ્વારા અવારનવાર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.પરંતુ આટલું બધું કરવામાં આવી રહ્યું હોવા છતાં અફવાઓનું બજાર ગરમ છે. ઇન્ડસઇન્ડ બેન્કે બુધવારે આવી જ કેટલીક અફવાની મોટી કિંમત ચૂકવી હતી.

એક અફવા ઉડી કે ઈન્ડસઇન્ડ બેન્કની ફાનાન્શિયલ સ્થિતિ સારી નથી. આ અફવાના કારણે બુધવારે ટ્રેડિંગ દરમિયાન ઈન્ડસઇન્ડ બેન્કનો શેર 33 ટકા સુધી નીચે આવી ગયો હતો.

આજે સવારે બેન્કનો શેર 600 રૂપિયાને પાર કરી ગયો હતો પરંતુ બપોરે એક વાગ્યે તે 450 ની નીચે આવી ગયો હતો. આ સમય દરમિયાન બેન્કની માર્કેટ મૂડી 30 હજાર કરોડ પર આવી ગઈ હતી. અહીં જણાવી દઈએ કે એક દિવસ પહેલા મંગળવારે ઈન્ડસઇન્ડ બેન્કનું માર્કેટ કેપ 41 હજાર કરોડ હતું.આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ઈન્ડસઇન્ડ બેન્ક દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી.

બેન્કે શેરધારકોને અફવાઓને અવગણવાનું જણાવ્યું હતું અને બેન્કની આર્થિક સ્થિતિ એકદમ ટકાટક હોવાનું કહ્યું છે. બેન્કે જણાવ્યું હતું કે તેની કુલ બિન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) ગયા ત્રિમાસિક ગાળામાં ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે 2.18 ટકા હતી. અપેક્ષા છે કે વર્તમાન ક્વાર્ટરની કુલ એનપીએ અગાઉના ક્વાર્ટર કરતા ઘણી વધારે હશે.

તમને જણાવી દઇએ કે આ પહેલા ઘણી મોટી બેન્કો તેમની આર્થિક સ્થિતિને લઈને સ્પષ્ટતા આપી ચૂકી છે. જેમાં કર્ણાટક બેન્ક, આરબીએલ બેન્ક, કરુર વૈશ્ય બેન્ક શામેલ છે. આ બેન્કોએ તેમના ખાતા ધારકોને ખાતરી આપી છે કે બેન્કમાં પૈસા સુરક્ષિત છે. દરમિયાન ભારતીય શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ છેલ્લા બે ટ્રેડિંગ દિવસોમાં 3500 પોઇન્ટ તૂટ્યો છે.