કોંગ્રેસને વોટ આપવાના શંકરસિંહના હૂંકારને કાંધલ જાડેજા સ્વીકારશે? વિધાનસભામાં કશુંક આવું બન્યું

ગુજરાત રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ખેંચવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. કોંગ્રેસમાં મથામણ ચાલી રહી છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે કોંગ્રેસ એક ઉમેદવાર પાસે ફોર્મ પાછું ખેંચાવી લેવા વિચારણા કરી રહી છે અને આ ફોર્મ ભરતસિંહ સોલંકીનું હોવાનું માનવામાં આવી રહ્યું પણ બીજી તરફ કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી બન્ને સીટ પર લડવા માટે મક્કમ છે અને ખૂટતા વોટ મેળવવા દોડાદોડી કરી રહી છે ત્યારે ભાજપ પણ પોતાના ત્રીજા ઉમેદવારેન જીતાડવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.

એનસીપીના ગુજરાત ચીફ શંકરસિંહ વાઘેલાએ જાહેર કર્યું છે કે એનસીપીનો એક વોટ કોંગ્રેસને જશે અને કૂતિયાણાના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે આદેશ આપવામાં આવશે. પણ આજે વિધાનસભામાં શંકરસિંહ વાઘેલાના હૂંકારાથી વિપરીત ઘટના બની હતી.

કાંધલ જાડેજા ભાજપને વોટ આપશે તેવી ઘટનાનો આછેરો ખ્યાલ વિધાનસભાની બેઠક દરમિયાન આજે જોવા મળ્યો હતો. કાંધલ જાડેજાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી બાદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે બેઠક કરી હતી. આ બેઠકના પરિણામ સ્વરૂપ કાંધલ જાડેજા ભાજપ તરફી મત આપે તેવી ચર્ચા શરૂ થઇ છે.  ભાજપના દંડક પંકજ દેસાઇની ઓફીસમાં કાંધલ જાડેજા અને પ્રદિપસિંહ વચ્ચે મીટીંગ થઈ હોવાનું બહરા આવી રહ્યું છે. મીટીગમાંથી બહાર આવ્યા બાદ કાંધલ જાડેજાએ મીડિયાને એટલું જ કહ્યું હતું કે હું વિધાનસભામાં ભાગ લેવા આવ્યો છું.

અત્રે નોંધનીય છે કે અહેમદ પટેલની ચૂંટણી દરમિયાન કાંધલ જાડેજાએ એનસીપીના રાષ્ટ્રીય પ્રમુખ શરદ પવારના આદેશને પણ માન્યો ન હતો અને ભાજપને વોટ આપ્યો હતો. હવે શંકરસિંહ વાઘેલાના અાદેશને પણ કાંધલ જાડેજા ઢેબે ચઢાવે એવી શક્યતા જોવા મળી રહી છે.