ફોર્મ ખેંચવાના બદલામાં શક્તિસિંહને કોંગ્રેસે કરી આ ઓફર, ભરતસિંહ મક્કમ, ધારાસભ્યો અડગ

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈ કોગ્રેસમાં ભારે ધમાચકડી ચાલી રહી છે. અહેમદ પટેલના ખાસ વિશ્વાસુ એવા શક્તિસિંહ ગોહીલ અને સામે છેડે ભરતસિંહ સોલંકીને ઉમેદવાર બનાવવામાં આવતા કોંગ્રેસમાં તડાફડી ચાલી રહી છે.

ભાજપ દ્વારા ત્રીજો ઉમેદવાર ઉતારવામાં આવ્યો અને કોંગ્રેસના પાંચ ધારાસભ્યોઓ રાજીનામા આપી દેતા કોંગ્રેસ માટે બીજી સીટ જીતવી મુશ્કેલ બની રહી છે. આવા સંજોગોમાં કોંગ્રેસ દ્વારા એક ફોર્મ પાછું ખેંચવાની મેરેથોન કવાયત ચાલી રહી છે.

દિલ્હી દરબારમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ એવું મનાય છે કે ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાનો સાફ ઈન્કાર કરી દીધો છે. કોંગ્રેસ હાઈકમાન્ડ વાયા અહેમદ પટેલ મારફત શક્તિસિંહ ગોહીલને ઉમેદવાર બનાવવાની વાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે ધારાસભ્યોએ બન્ને સીટ પર લડી લેવાનો મિજાજ બતાવ્યો છે. એવું કહેવાય છે કે ભરતસિંહની ઉમેદવારીને ચાલુ રાખવા માટે મોટાભાગના ધારાસભ્યોએ એકી અવાજે સમર્થન આપ્યું છે અને શક્તિસિંહ માટે મોટી મોકાણ સર્જાણી છે.

કોંગ્રેસ વર્તુળોના જણાવ્યા મુજબ જયપુર ખાતે શક્તિસિંહ ધારાસભ્યોને મળ્યા વિના જ જતા રહ્યા હતા જ્યારે ભરતસિંહે ધારાસભ્યો સાથે વાતચીત કરી હતી. ધારાસભ્યોનો મત એવો રહ્યો છે કે ફોર્મ ખેંચવાની જરૂર નથી. હારવાના હોય તો પણ બન્ને સીટ પર ઉમેદવારોએ લડવું જોઈએ. ફોર્મ ખેંચીને આમને આમ એક સીટ જતી કરવાની જરૂર નથી. ભલે એક સીટ ગુમાવવાનું થાય તો લડીને ગુમાવેલું લેખે લખાશે. આમ ફોર્મ ખેંચવાની જરૂર ન હોવાનું ધારાસભ્યો કોંગ્રેસના દિલ્હીથી આવેલા નેતાઓ બીકે હરીપ્રસાદ અને રજનીકાંત પટેલને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હોવાનું કોંગ્રેસ વર્તુળો જણાવી રહ્યા છે.

દરમિયાનમાં કોંગ્રેસ વર્તુળોએ આપેલી માહિતી મુજબ શક્તિસિંહને ખાલી પડેલી પાંચ સીટ પૈકી કોઈ પણ એક સીટ પરથી ચૂંટણી લડાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે અને જીત માટે પણ ખાતરી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત વિધાનસભા જીતે તો શક્તિસિંહને વિરોધ પક્ષના નેતા બનાવવાની ઓફર કરવામાં આવી હોવાનું કોંગ્રેસ વર્તુળો જણાવી રહ્યા છે. આ ફોર્મ્યુલા અંગે શક્તિસિંહ રાજી થયા છે કે કેમ તે જણવા મળી રહ્યું નથી.