ગુજરાત કોંગ્રેસનું કોકડું પહોંચ્યું સોનિયા ગાંધીના દરબારમાં, ઉમેવારી ફોર્મ ખેંચવાને લઈ સસ્પેન્સ

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસમાં ભારે કમઠાણ ચાલી રહ્યું છે. ખાસ કરીને કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા કોંગ્રેસ માટે બીજી સીટ જીતવી મુશ્કેલી બની રહી છે અને આ તરફ કોંગ્રેસ બીજી સીટ માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આવી પ્રવાહીશીલ સ્થિતિમાં કોંગ્રેસ દ્વારા બેમાંથી એક ઉમેદવાર પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચે લે તેવી ફોર્મ્યુલ અપનાવવામાં આવી રહી છે.

કોંગ્રેસના નેતાઓ બીકે હરીપ્રસાદ અને રજનીકાંત પટેલે જયપુર ખાતે કોંગ્રેસના ધારાસભ્યોની સેન્સ લીધી હતી. આ સેન્સમાં દેખીતી રીતે ભરતસિંહ સોલંકીના નામ પર વધુમાં વધુ ધારાસભ્યોએ મંજુરીની મહોર મારી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ શક્તિસિંહ ગોહીલને કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તરે અહેમદ પટેલની પાંગતમાં બેસાડવાનું શરૂ કરતાં ગાંધી પરિવાર શક્તિસિંહ ગોહીલની તરફેણણ કરી રહ્યું છે એટલે કે કોંગ્રેસ હાઈકમાન્ડની પ્રથમ પસંદગી ભરતસિંહ નહી પણ શક્તિસિંહ છે જ્યારે મોટાભાગના ધારાસભ્યોની પસંદગી ભરતસિંહ સોલંકી છે.

આવી સ્થિતિમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના દરબારમાં પહોંચ્યા છે અને ઉમેદવારી ફોર્મ અંગે શું કરવું તે માટે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

કોંગ્રેસ વર્તુળો જણાવી રહ્યા છે કે જો ભરતસિંહ સોલંકીના નામને ફાઈનલ કરવામાં નહીં આવે તો રાજ્યસભાની ચૂંટણીના મતદાન પૂર્વે જ કોંગ્રેસમાં સિંધીયાવાળી થવાની શક્યતા નકારી શકાતી નથી. ભરતસિંહ સોલંકીની સાથે રહેલા ધારાસભ્યો પણ આક્રમક મૂડમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.