રેલવે સ્ટેશનો પર ભીડને ટાળવા માટે પ્લેટફોર્મ ટિકીટનો ભાવ રૂ. 50 કરાયો

રેલવે દ્વારા કોરોના વાયરસને ધ્યાને લઇને રેલવે સ્ટેશનો પર ભીડ ઘટાડવા માટે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં પાંચ ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. 16 માર્ચે મધરાતથી નવા દર લાગુ કરી દેવાયા છે. અત્યારસુધી 10 રુપિયામાં મળતી પ્લેટફોર્મ ટિકિટના હવે 50 રુપિયા ચૂકવવાના રહેશે. આ વધારો જ્યાં લોકોની અવરજવર વધુ રહે છે તેવા રેલવે સ્ટેશનો પર જ લાગુ પડશે. ગુજરાતના ચાર ગેર ઉપનગરીય રેલવે સ્ટેશો ઉપરાંત મધ્યપ્રદેશના રતલામ રેલ મંડળ અને મુંબઇના તમામ સ્ટેશન પર પણ પ્લેટફોર્મ ટિકીટના ભાવ વધારવામાં આવ્યા છે. આ તમામ સ્થળે હવે પ્લેટફોર્મ ટિકીટ ખરીદવા માટે રૂ. 50 ખર્ચવા પડશે.

ગુજરાતના જે નગરોમાં પ્લેટફોર્મ ટિકીટના ભાવ વધારાયા છે તેમાં અમદાવાદ ઝોનમાં આવતા સાબરમતી, ગાંધીધામ, પાલનપુર, ભૂજ, મહેસાણા, વિરમગામ, મણીનગર, સામખિયાળી, પાટણ, ઉંઝા અને સિદ્ધપુર સ્ટેશનોનો સમાવેશ થાય છે, આ સ્ટેશનો પર હવે પ્લેટફોર્મ ટિકિટ 50 રુપિયાની મળશે. ભીડભાડવાળા વિસ્તારોમાં કોરોના વાયરસ ફેલાવાનો ખતરો ખૂબ જ વધી જતો હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે. રેલવેના અધિકારીઓનું માનવું છે કે પ્લેટફોર્મ ટિકિટ મોંઘી કરાતા હવે પેસેન્જરોને ટ્રેન સુધી મૂકવા આવતા લોકોની સંખ્યા ઘટશે, જેનાથી ભીડ પણ ઓછી થશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા ટ્રેનોમાંથી પડદા હટાવી દેવામાં આવ્યા છે. એસી કોચમાં મુસાફરોને ધાબળા આપવાનું પણ બંધ કરી દેવાયું છે. રેલવેના કોચને જંતુનાશક દવાઓથી સાફ કરાઈ રહ્યા છે. એટલું જ નહીં, મુસાફરો જ્યાં સૌથી વધુ અડકતા હોય તેવા હેન્ડલ્સ, પાણીના નળ તેમજ સ્વીચોને પણ વારંવાર સાફ કરવામાં આવી રહ્યા છે. રેલવે સ્ટેશનો પર પણ સફાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.