કોરોનાવાયરસ : ગરમીમાં પણ યથાવત રહીને આગામી શિયાળામાં ફરી કેર મચાવે તેવી આશંકા

આખું વિશ્વ હાલમા કોરોનાના પ્રકોપથી ત્રસ્ત છે ત્યારે એક એવો અહેવાલ સામે આવ્યો છે કે જે તમારા ડરને વધારી શકે છે. આ અહેવાલ અનુસાર કોરોના વાયરસ ગરમીમાં પણ યથાવત રહેશે અને જેવો શિયાળો ફરી શરૂ થશે કે તે પોતાનું જોર ફરી બતાવવા માંડશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તેમજ રિસર્ચ એન્ડ ટ્રીટમેન્ટમાં સામેલ સંશોધકોનું કહેવું છે કે કોવિડ-19 વાયરસ છેલ્લા ત્રણ દશકમાં સિવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (સાર્સ) અે એમઇઆરએસ પછી ત્રીજો સૌથી ઘાતક વાયરસ છે. જે ગરમ અને ભેજવાળા હવામાનમાં પણ એક સ્થાનેથી બીજા સ્થાને જઇ શકે છે. ગરમી આવશે એટલે કોરોના વાયરસ ચાલ્યો જશે તેવું તમે અનેક જગ્યાએ વાચ્યું સાંભળ્યું હશે પરંતુ હવે નિષ્ણાંતો કહી રહ્યા છે કે આ નવો કોરોના વાયરસ ભારતમાં ગરમીમાં પણ યથાવત રહેશે અને ફરી આગામી શિયાળો આવતા જ પોતાનો પ્રકોપ શરું કરશે.

સંશોધકોએ કહ્યું કે, ‘આ નવા વાયરસ સામે માણસની રોગપ્રતિકારક શક્તિમાં કુદરતી રીતે લડવાની શક્તિ નથી ત્યારે માણસજાતમાં આ રોગ ઉધરસ, છીંક અને કફના થૂંક દ્વારા તેમજ નજીકના સંસર્ગથી ફેલાતો રહેશે.’ જોકે કેટલાક લોકો માને છે કે એપ્રિલ-મે મહિનાની ગરમીમાં આ કફ અને છીંક દ્વારા બહાર આવેલો વાયરસ લાંબો સમય જીવિત રહેશે નહી. પરંતુ નિષ્ણાંતો કહે છે કે વાયરસને હરાવવા માટે યોગ્ય ઋતુની રાહ જોવા કરતા નવા ચેપ ન ફેલાય તે માટે આપણે જાહેર સ્થળો અને મેળાવડાને બંધ કરવા જોઈએ. નિષ્ણાંતો મુજબ જો વાયરસ ઉનાળામાં ફેલાતો અટકી જશે તો પણ શિયાળો આવતા જ ફરી આવી શકે છે.

સ્વિટ્ઝરલેન્ડના જિનિવામાં આવેલ વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઈઝેશનની લેબમાં કોરોના વયારસની રસી માટે સંશોધન કરતા અને લંડન સ્કૂલ ઓફ હાયજીન અને ટ્રોપિકલ મેડિસિનના ઇમર્જિંગ ઇન્ફેક્શન ડિસીઝના પ્રોફેસર એનેલિઝ વિલ્ડરે કહ્યું કે, ‘એવું નથી કે ઉનાળો આવતા આ વાયરસ ચાલ્યો જશે. માટે આપણું તમામ ફોકસ હાલ લોકોના સંસર્ગ ઓછો કરવા અને જેમને આ બીમારી થઈ છે તેમને ક્વોરન્ટિન કરવા માટે હોવું જોઈએ.’

વિજ્ઞાનિકોએ કહ્યું કે, ભારત જેવા દેશ જ્યાં વિભિન્ન પ્રકારનું હવામાન હોય છે. તેના કારણે મળેલા ડેટાને આધારે નવો વાયરસ ક્યા પ્રકારનો છે તેનો અભ્યાસ કરવા માટે આ ડેટા ખૂબ જ મહત્વનો સાબિત થશે. ન્યુ જર્સી મેડિકલ સ્કૂલમાં ઇન્ફેક્શન ડિસિઝ અંગે અભ્યાસ કરતા ડેવિડ કેનિમોએ અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘ઘણા લોકો એવું માની રહ્યા છે કે ગરમીની શરુઆત થશે એટલે વાયરસનો ચેપ ઓછો થઈ જશે. જોકે આ ફક્ત આશા છે કોઈ ફેક્ટ નથી. કોરનાવાયરસ અને ઇન્ફ્લુએન્ઝા આપણી વચ્ચે ઘણા વર્ષોથી છે અને સંતુલીત છે. જ્યારે પણ કોઈ નવો રોગકારક વાયરસ કે બેક્ટેરિયા મળે છે. ત્યારે ઘણી બધી બાબતો તેના વિશે શંકાસ્પદ હોય છે. ઘણા એવા લોકો છે જે આવા વાયરસને ઝડપથી પ્રસરાવી શકે છે અને સંતુલન પ્રાપ્ત કરી શકતા નથી હોતા. વધારમાં ઘણી એવી જગ્યા છે જ્યાં હાલ ગરમીનું વાતાવરણ છે ત્યાં પણ આ વયારસનું સંક્રમણ જોવા મળે છે. ‘