કોરોનાનાં કારણે GDPમાં 0.5 ટકાનો ફટકો પડવાની આશંકા

કોરોના વાયરસને લઈ ઉભી થયેલી પગલે ભારે અરાજકત સ્થિતિ બાદ નાણાકીય વર્ષ 2020-21માં ભારતની આર્થિક વૃદ્ધિને અડધા ટકા સુધીનો ફટકો પડે તેમ સરકારના પ્રારંભિક અંદાજો સૂચવે છે. જોકે સ્વતંત્ર અર્થશાસ્ત્રીઓના મતે અર્થતંત્રને એક ટકા સુધીની અસર થશે.

જાણકાર સૂત્રોએ જણાવ્યું કે આગામી નાણાકીય વર્ષમાં 0.3 ટકાથી 0.5 ટકા સુધીનો ફટકો પડી શકે. આગામી નાણાકીય વર્ષનાં પ્રથમ બે ક્વાર્ટરમાં 4થી પાંચ ટકા જેટલી નીચી વૃદ્ધિ નોંધાશે. ઉલ્લેખનીય છે કે ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં પાંચ ટકાના દરે વૃદ્ધિ કરે તેવી આગાહી છે, જે 11વર્ષમાં સૌથી નીચી વૃદ્ધિ ગણાશે.

કેર રેટિંગ્સે કરાવેલા સરવેમાં પણ કંપની જગતે એવો અભિપ્રાય આપ્યો હતો કે જો કોરોના બીમારી લાંબી ચાલશે તો આર્થિક વૃદ્ધિમાં 0.5 ટકાનો ફટકો પડશે. કેરે પાંચમી માર્ચથી 12 માર્ચ દરમિયાન મેન્યુફેક્ચરિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, ઇન્ફ્રા, રિયલ્ટી અને સર્વિસિસ સેક્ટરની કંપનીઓના 150 સીઇઓ, સીએફઓ, રોકાણકારો, એનાલિસ્ટ્સનો સરવે કર્યો હતો જેમાં એવું તારણ નીકળ્યું હતું કે અર્થતંત્રને મોટો ફટકો પડશે.

31 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવેલા આર્થિક સરવેમાં 2020-21માં જીડીપીમાં 6થી 6.5 ટકાનો વધારો થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો પણ કોવિડ-19ને કારણે રિકવરીની આશા પર પાણી ફરી વળ્યું છે.

ચીનમાં પ્રથમ ક્વાર્ટરમાં 1998 પછી પ્રથમવાર જીડીપીમાં ઘટાડો નોંધાશે. અમેરિકા અને યુરોપ જુલાઈ સુધીમાં મંદીમાં સરકી જવાની ધારણા છે.