ભારે ઉતાર-ચઢાવ બાદ શેરબજારમાં 810 પોઈન્ટનું ગાબડું

આજે મંગળવારે શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ બાદ 810 પોઈન્ટ્સનું ગાબડું પડ્યું હતું. મંગળવારે સવારે ભારતીય શેરબજારમાં વેલ્યૂબાઈંગથી 500 પોઈન્ટ્સનો ઉછાળો જોવા મળ્યો હતો પણ કોરોના વાયરસના ભયે રોકાણકારોમાં ગભરાટ જોવાયો હતો અને શેરબજારમાં બપોર પછી ફરી વેચવાલી જોવા મળી હતી.

આજે 1,653 પોઈન્ટ્સના ઉતાર-ચઢાવ બાદ સેન્સેક્સ 810.96 પોઈન્ટ્સ અથવા 2.58 ટકા ઘટીને 30,579.09 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 230.35 પોઈન્ટ્સ અથવા 2.50 ટકા ઘટીને 8,967.05 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

આજે ઘટીને બંધ રહેલા મુખ્ય શેરોમાં ICICI બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, કોટક બેન્ક, HDFC, ઈન્ફોસિસ અને SBIનો સમાવેશ થાય છે. બીજી તરફ આજે વધીને બંધ રહેલા મુખ્ય શેરોમાં HUL, હિરો મોટોકોર્પ, પાવરગ્રીડ, મારુતિ અને એશિયન પેઈન્ટ્સનો સમાવેશ થાય છે.

એશિયના અન્ય બજારોમાં શાંઘાઈ અને સિઓલ શેરબજાર રેડ ઝોનમાં જ્યારે હોંગકોંગ અને ટોકિયો શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા.કોરોનાનાં કારણે વિશ્વભરમાં 7,000ના મોત થયા છે અને કુલ 1,75,000 લોકો કોરોનાથી અસરગ્રસ્ત છે. ભારતમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 126ની છે.