અમઝદ ખાનના ભાઇ અને ટીવી એકટ્રેસ કૃતિકા દેસાઇના પતિ અભિનેતા ઇમ્તિયાઝ ખાનનું નિધન

હાલમાં જ્યારે દેશ આખામાં કોરોનાનો પ્રકોપ વ્યાપ્યો છે તેવામાં બોલિવુડમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. અમઝદ ખાનના ભાઇ અને પ્રસિદ્ધ ટીવી એક્ટ્રેસ કૃતિકા દેસાઈના પતિ અભિનેતા ઈમ્તિયાઝ ખાનનું નિધન થયું છે. 77 વર્ષના ઇમ્તિયાઝ ખાનનું નિઘન કયા કારણોસર થયું તે હજું જાહેર થયું નથી, જો કે કેટલાક મીડિયા અહેવાલો અનુસાર તેમનું નિઘન હાર્ટ એટેકને કારણે થયું છે. ઇમ્તિયાઝ ખાને યાદો કી બારાત, નૂરજહાં, ઘર્માત્મા, દયાવાન જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.

ઈમ્તિયાઝ ખાને 15 તારીખે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. ઈમ્તિયાઝ ખાન એક્ટર હોવાની સાથે ડાયરેક્ટર પણ હતા. સિવાય તેઓ હલચલ, પ્યારા દોસ્ત તેમજ નૂરજહાં જેવી હિટ ફિલ્મો સાથે સંકળાયેલા હતા. જ્યારે તેમની પત્ની કૃતિકાએ મેરે અંગને મે, શક્તિ-એક અસ્તિત્વ કે અહેસાસ કી, ઉત્તરણ તેમજ કુમકુમ-એક પ્યારા સા બંધન જેવા ટીવી શોમાં કામ કર્યું છે. આ ઉપરાંત મેરે અંગને મે શોમાં અમ્માજીનું તેનું પાત્ર ઘણું પ્રસિદ્ધ રહ્યું હતું.

ઈમ્તિયાઝ પત્ની કૃતિકા અને દીકરી આયેશા ખાન સાથે રહેતા હતા. તેઓ દિવંગત એક્ટર અઝમદ ખાનના ભાઈ પણ હતા. એક્ટરનું નિધન થતાં બી-ટાઉન અને ટેલિવુડના સેલેબ્સ શોક વ્યક્ત કરવા માટે તેના ઘરે પહોંચ્યા હતા. ઈમ્તિયાઝની સારી મિત્ર અને એક્ટ્રેસ અંજુ મહેન્દ્રુએ જૂના દિવસોને યાદ કરતાં સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી. સાથે જ તેમણે લખ્યું હતું કે, ‘વન્સ અપોન અ ટાઈમ!!! તારી આત્માને શાંતિ મળે મિત્ર…’ આ ઉપરાંત જાવેદ જાફરી અને અતુલ મોહને પણ ટિ્વટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.