બુધવારથી યસ બેન્ક ધબકતી થઈ જશે, બેન્કે ટવિટ દ્વારા કરી જાહેરાત

કેન્દ્ર સરકારના મંત્રીમંડળની બેઠકમાં યસ બેન્કના પુનર્ગઠન યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.  નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આ માહિતી આપવામાં આવી હતી અને આજે યસ બેન્કે ટવિટ કરી બુધવારથી સંપૂર્ણ બેન્કીંગ સેવા શરૂ થવાની જાહેરાત કરી છે.

નાણા મંત્રીએ બે દિવસ પહેલાં કહ્યું હતું કે 26 ટકા શેર ત્રણ વર્ષના લોક-ઇનમાં છે. એટલે કે એકવાર ખરીદી કર્યા પછી, આ શેર ત્રણ વર્ષ સુધી વેચી શકાશે નહીં જ્યારે ખાનગી રોકાણકારોને પણ આમંત્રણ અપાયું છે. ખાનગી રોકાણકારો માટે ત્રણ વર્ષની લોક-ઇન અવધિ પણ હશે. દરમિયાન, આઈસીઆઈસીઆઈ બેંકે યસ બેંકમાં 1000 કરોડના રોકાણની જાહેરાત કરી છે. આ રીતે આઇસીઆઈસીઆઈ બેંકનો યસ બેન્કમાં પાંચ ટકા હિસ્સો હશે.

યસ બેંકે ટવિટ દ્વારા બેન્કીંગ સેવાઓ શરૂ કરવા વિશેની માહિતી શેર કરી છે. ટવિટમાં યસ બેન્કે કહ્યું છે કે બુધવારે-18 માર્ચ, 2020, સાંજે 6 વાગ્યાથી સંપૂર્ણ બેંકિંગ સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે. બેંકિંગ સેવાઓ શરૂ થયા પછી, ગ્રાહકો બેંકની 1,132 શાખાઓ પરથી કામકાજ શરૂ કરી શકે છે.

આ સાથે નિર્મલા સીતારામને કહ્યું હતું કે રિ-સ્ટ્રક્ચરિંગ પ્લાનની સૂચના ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. આના ત્રણ દિવસમાં જ યસ બેંક પરના આરબીઆઈના પ્રતિબંધોને દૂર કરવામાં આવશે અને યસ બેન્કની જાહેરાતથી બુધવારથી સંપૂર્ણ બેન્કીંગ સિસ્ટમ કાર્યરત થઈ જશે અને મરજી મુજબના રૂપિયા ઉપાડી શકાશે.

આરબીઆઈએ યસ બેંકના બેંક ખાતાધારકોને 50 હજાર રૂપિયા ઉપાડવાની મર્યાદા 3 એપ્રિલ, 2020 સુધી નક્કી કરી છે.યસ બેંક બુધવારે સાંજે 6 વાગ્યાથી સંપૂર્ણ બેંકિંગ સેવા ફરી શરૂ કરશે.