વડોદરામાં રક્ષક જ બન્યા ભક્ષક: યુવતી પાસેથી પાંચ હજાર પડાવ્યા, બાદમાં આચર્યું દુષ્કર્મ

મહિલા સુરક્ષાની ગુલબાંગો પોકારતી ગુજરાત સરકારનાં ધજાગરા ઉડાવતી ઘટના વડોદરામાં બની છે. પોલીસને રક્ષક તરીકે જોવામાં આવે છે પણ રક્ષક જ જ્યારે ભક્ષક બની જાય તો લોકોનો ગુસ્સો ફાટે છે. વડોદરાના લક્ષ્મીપુરા પોલીસ મથકના પીસીઆર વાનના પોલીસ કોન્સ્ટેબલે યુવક અને યુવતીને ધમકાવી પાંચ હજાર પડાવી લીધા બાદ યુવતી સાથે દુષ્કર્મ આચરતા વડોદરાના લોકોએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ફરીયાદના અનુસંધાને પોલીસ કાર્યવાહી કરીને કોન્સ્ટેબલ અને પીસીઆર વાનના ડ્રાઈવરની ધરપકડ કરી છે.

સંવાદદાતાના જણાવ્યા મુજબ વડોદરાના ગોત્રી રોડમાં રહેતા યુવક અને યુવતી ગઈ મોડી સાંજે ફરવા ગયા હતા અને ગોત્રી રોડ સ્થિત ચેકપોસ્ટ પાસે કેનાલ નજીક પોતાની બાઈક પાર્ક કરી બેઠાં હતા. આ દરમિયાનમાં રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે પીસીઆર વાન(નંબર-9) આવી પહોંચી હતી. પીસીઆર વાનના ડ્રાઈવર રસીક ચૌહાણ અને કોન્સ્ટેબલ સંજયસિંહ ચૌહાણ તેમાં બેઠાં હતા. બાઈકની ચાવીઓ કાઢી લેવામાં આવી હતી અને યુવક-યુવતીને ઘરવાળાને જાણ કરવાની ધમકી આપી પાંચ હજાર રૂપિયાની માંગ કરવામાં આવી હતી.

બન્ને પોલીસવાળા નશામાં ધૂર્ત હતા અને યુવકે પેટીએમ કરવાની વાત કરી હતી. સંજયસિંહે પેટીએમથી રૂપિયા લેવાનો ઈન્કાર કર્યો હતો પણ ડ્રાઈવર રસીક યુવક સાથે બાઈક પર બેસીને પેટીએમમાંથી રૂપિયા લેવા ગયો હતો. આ દરમિયાન કેનાલ રોડ પર યુવતી સાથે ઉભેલા સંજયસિંહે યુવતીને તેના પિતાને જાણ કરવાની ધમકી આપી હતી અને યુવતી સાથે બળજબરી કરી હતી. યુવતીને બંધાઈ રહેલી બિલ્ડીંગ પાસે લઈ ગયો હતો અને ત્યાં યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. રૂપિયા લીધા બાદ બન્ને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

યુવક અને યુવતીના સ્થિતિ જોઈને સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને મામલો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ આવી પહોંચ્યા હતા.ડીસીપી દિપક મેઘાણીના જણાવ્યા પ્રમાણે ફરીયાદના આધારે કોન્સ્ટેબલ સંજયસિંહ અને ડ્રાઈવર રસીકની ધરપકડ કરવામાં આવી છે અને બન્ને વિરુદ્વ સખત કાર્યવાહી કરવામાં આવશે.