કોંગ્રેસમાં અસંતોષનો ઉકળતો લાવા, નીતિન પટેલે કહ્યું “કોંગ્રેસમાંથી હજી વધુ રાજીનામા પડશે”

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈ ભારે ધમાચકડી ચાલી રહી છે. ગઈકાલે કોંગ્રેસે દાવો કર્યો હતો કે કોઈ ધારાસભ્ય એ રાજીનામું આપ્યું નથી પણ આજે પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હોવાની સત્તાવાર જાહેરાત વિધાનસભાના સ્પીકર દ્વારા કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાને લઈ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથે વાત કરી હતી અને કહ્યું કે કોંગ્રેસમાંથી હજી વધુ ધારાસભ્યો રાજીનામા આપશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, કોંગ્રેસમાં આંતરિક જૂથવાદના કારણે ધારાસભ્યો રાજીનામાં આપી રહ્યા છે. આ ઉપરાંત નીતિન પટેલે દાવો કર્યો કે, હજુ પણ ઘણા ધારાસભ્યો ભાજપના સંપર્ક છે અને આજે પણ કોંગ્રેસના બીજા ધારાસભ્યોના રાજીનામા પડી શકે છે. કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવારનો કારણે ઊભી થયેલા અસંતોષનું આ પરિણામ છે.

નાયબ મુખ્યમંત્રીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પાછળનું કારણ પાર્ટીની અંદરનો જૂથવાદ છે. તેમના આંતરિક જૂથવાદ સાથે ભાજપને કોઈ લેવાદેવા નથી. કોંગ્રેસના કેટલાક લોકોને સાચવવામાં આવતા હતા તેથી સ્વાભાવિક રીતે અસંતોષ ઊભો થયો છે જેના કારણે ધારાસભ્યો રાજીનામાં આપી રહ્યા છે. કોંગ્રેસને ધારાસભ્યોનું વિશ્વાસ સંપાદન કરતાં પણ આવડ્યું નહીં.

નીતિન પટેલે દાવો કર્યો છે કે, ભાજપનું નેતૃત્વ અને કામગીરી જોઈ કોંગ્રેસ છોડી ચૂકેલા ધારાસભ્યો પક્ષમાં જોડાયા ઉત્સુક છે. બીજા પણ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. ભાજપ સરકાર ગુજરાતના લોકો માટે કામ કરી રહી છે. વિકાસ કરવો હોય તો સારા સંપર્ક હોવા જોઈએ.નીતિન પટેલે જણાવ્યું કે, જો કોંગ્રેસથી નારાજ ધારાસભ્યો ભાજપમાં જોડાવા માંગે છે તો અમારા પક્ષના સિદ્ધાંતોને અનુસરીને જોડાઈ શકે છે.