મઘ્યપ્રદેશમાં કમલનાથ સરકાર માટે કોરોનાવાયરસ બન્યો રાહતદાયક

વિશ્વભરમાં પોતાનો પ્રકોપ ફેલાવનાર કોરોનાવાયરસ મધ્યપ્રદેશની કમલનાથ સરકાર માટે રાહતદાક બની ગયો છે, કોરોનાને કારણે હાલમાં કમલનાથ સરકારે ફ્લોર ટેસ્ટ આપવો નહીં પડે, કારણકે સ્પીકરે 26 માર્ચ સુધી વિધાનસભાને સ્થગિત કરી દીધી છે. આ વાતને ધ્યાને લેતા એવું લાગે છે કે મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક મંત્રીઓ અને ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ ખતરામાં આવી ગયેલી કમલનાથ સરકારને થોડા દિવસોની રાહત મળી છે. હાલ કોરોના વાયરસને કારણે સર્જાયેલી સ્થિતિને લીધે રાજ્યમાં વિધાનસભા 26મી માર્ચ સુધી સ્થગિત કરી દેવાઈ છે. મતલબ કે, દસ દિવસ સુધી કમલનાથને બહુમતી સાબિત નહીં કરવી પડે.

આજે વિધાનસભાનું કામકાજ શરુ થતાં જ બેંગલુરુમાં રહેલા ધારાસભ્યો ભોપાલ આવી પહોંચ્યા હતા. એક તરફ વિરોધપક્ષના નેતા ગોપાલ ભાર્ગવ કમલનાથનું રાજીનામું માગી રહ્યા હતા. ત્યારે બીજી તરફ કોંગ્રેસ પોતાના કેટલાક ધારાસભ્યોનું અપહરણ કરાયું હોવાના આરોપ લગાવતી રહી હતી. કમલનાથના મંત્રી પીસી શર્માએ જણાવ્યું હતું કે, તેમની સરકાર ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે.

સોમવારે રાજ્યપાલના અભિભાષણ બાદ વિધાનસભામાં ખાસ્સો હોબાળો પણ થયો હતો. રાજ્યપાલે પોતાના ભાષણમાં દરેકે બંધારણ હેઠળ કાયદાનું પાલન કરવું જોઈએ, જેથી મધ્ય પ્રદેશનું ઔચિત્ય જળવાઈ રહે તેમ જણાવ્યું હતું. જેની સામે કોંગ્રેસના ધારાસભ્યોએ જોરદાર હોબાળો શરુ કરી દીધો હતો. જેના કારણે કેટલોક સમય કામકાજ ખોરંભે ચઢી ગયું હતું. રાજ્યમાં હાલ ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે આજે ભારે હોબાળા બાદ સ્પીકરે કોરોના વાયરસના ખતરાનું કારણ આગળ ધરીને 26 માર્ચ સુધી વિધાનસભાના કામકાજને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના ગવર્નર લાલજી ટંડને ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો હતો, પરંતુ આજે ફ્લોર ટેસ્ટ નહોતો થઈ શક્યો.

ધૂળેટીના દિવસે જ સિંધિયાએ કોંગ્રેસ છોડી હતી. તેમની સાથે તેમના સમર્થક મંત્રીઓ અને ધારાસભ્યોએ પણ રાજીનામાં ધરી દીધા હતા. સિંધિયાના વિશ્વાસુઓને બેંગલુરુ લઈ જવામાં આવ્યા હતા. પાતળી બહુમતીમાં રહેલી કમલનાથ સરકાર એક સાથે 20 જેટલા ધારાસભ્યોએ રાજીનામું આપી દેતાં રાતોરાત લઘુમતીમાં આવી ગઈ હતી. રાજ્યની વિધાનસભા ભલે 10 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાઈ હોય, પરંતુ રાજકીય ડ્રામા પર હજુ પડદો પડે તેમ લાગતું નથી.