પક્ષપલટુઓ સામે હાર્દિક પટેલનું એલાન: “ચૂંટાયેલા નેતાઓ પાર્ટી બદલે તો જાહેરમાં આપો મેથીપાક”

ગુજરાત કોંગ્રેસમાં પાંચ ધારાસભ્યોના રાજીનામાને લઈ ભારે કમઠાણ ચાલી રહ્યું છે. નેતાઓ ધાંધાં થઈને દોડી રહ્યા છે. કોંગ્રેસમાં ભારે ધમાચકડી ચાલી રહી છે. કોંગ્રેસ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવવા માટે એક ઉમેદવાર પાસેથી ફોર્મ પાછું ખેંચવી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને શિર્ષ નેતાઓ અમદાવાદથી જયપુર પહોંચી ગયા અને ધારાસભ્યોની સેન્સ લેવામાં આવી રહી છે.

આ દરમિયાનમાં કોંગ્રસના યુવા નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં પક્ષપલટુ નેતાઓ વિરુદ્વ આક્રમક વલણ અપનાવ્યું છે. હાર્દિક પટેલે કહ્યું છે કે ચૂંટાયેલા નેતાઓ પાર્ટી બદલે તો તેમને જાહેરમાં મેથીપાક આપવો જોઈએ. હાર્દિકે એલાન કરતાં જ પક્ષ છોડનારા ધારાસભ્યોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય કે કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાને સ્થાનિક કોંગ્રેસની મહિલા કાર્યકરોએ બંગડીઓ મોકલી હતી. કચ્છની લડાયક મહિલા કાર્યકર અંજલિ ગૌરે પૂર્વ ધારાસભ્ય બનેલા પ્રદ્યુમ્નસિંહને તેમના નિવાસે જઈને બંગડીઓ આપી હતી. તે વખતે મીડિયાના લોકો પણ હાજર રહ્યા હતા.