મધ્યપ્રદેશ ક્રાઈસીસ: ભાજપને ઝટકો, નારાયણ ત્રિપાઠીની ભાજપમાંથી વિકેટ ખેરવતા કમલનાથ

મધ્યપ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે ભાજપને ઝટકો આપનારી ઘટના હની છે. એક તરફ  સોમવારે ભાજપના 106 ધારાસભ્યો રાજભવન ગયા અને રાજ્યપાલની સામે પરેડ કરી તો બીજી તરફ ભાજપના એક ધારાસભ્ય એવા હતા જે રાજભવનમાં ગયા ન હતા, પરંતુ તેઓ સીએમ કમલનાથને મળ્યા હતા.

મૈહરના ભાજપના ધારાસભ્ય નારાયણ ત્રિપાઠી સોમવારે ભોપાલમાં હતા. 26 માર્ચ સુધી વિધાનસભા સત્ર મુલત્વી રાખ્યા બાદ ધારાસભ્ય નારાયણ ત્રિપાઠી બહાર આવ્યા હતા, પરંતુ ભાજપના ધારાસભ્યો સાથે રાજભવનમાં ગયા ન હતા. તેઓ અહીંથી નીકળી સીએમ હાઉસ પહોંચ્યા અને કમલનાથને મળ્યા. આ બેઠક લગભગ 20 મીનીટ સુધી ચાલી હતી. આ પછી નારાયણ ત્રિપાઠીએ પત્રકારો સાથે પણ વાત કરી હતી.

જ્યારે પત્રકારોએ નારાયણ ત્રિપાઠીને પૂછ્યું કે તેઓ સીએમ હાઉસમાં શા માટે ગયા, ત્યારે તેમણે કહ્યું કે ‘હું મુખ્યમંત્રીને મળ્યો, તેમની સાથે વાત કરી અને બહાર આવ્યો. સીએમ સાથે મુલાકાત કરી છે તો ક્યા સંબંધમાં કરી છે તે અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે હું તો સૌને મળું છું અને શિવરાજસિંહ ચૌહાણને પણ મળીશ.

રાજભવનમાં ન જવાના પ્રશ્ને નારાયણ ત્રિપાઠીએ નારાજ સ્વરમાં કહ્યું કે હું નથી ગયો કારણ કે આ મારું મન છે. હું હાલમાં ભાજપનો ધારાસભ્ય છું. બાકી સમય આવશે ત્યારે નક્કી કરાશે.

અત્રે નોંધનીય છે કે રાજ્યપાલ લાલજી ટંડને કાલે એટલે કે 17 માર્ચે સીએમ કમલનાથને બહુમતી સાબિત કરવા જણાવ્યું છે. આ અંગે એક પત્ર જારી કરવામાં આવ્યો છે અને એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કમલનાથ સરકાર બહુમત સાબિત નહીં કરે તો તે લઘુમતીમાં ગણાશે.

મંગળવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે ભાજપ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી પણ થવાની છે. ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડ અને હેમંત ગુપ્તાની ખંડપીઠ સમક્ષ આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં ફ્લોર ટેસ્ટ કેસની સુનાવણી થશે.