ભરતસિંહ આડા ફાટે તો સિંધિયાવાળી? શક્તિસિંહ માટે સર્જાઈ શકે છે મોટી મોકાણ

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના બે સીટ જીતવાના ઓરતા અધવચ્ચે ખોરવાઈ ગયા છે. પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ કોંગ્રેસમાંથી વધુ ધારાસભ્યોની વિકેટ નહીં પડે તેના માટે બે પૈકી એક ઉમેદવાર પાસેથી ફોર્મ ખેંચાવી લેવાનો કોંગ્રેસે નિર્ણય કર્યો છે ત્યારે રાજ્યસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકી જરા પણ મચક આપી રહ્યા નથી. આની પાછળનું કારણ એ છે કે ભરતસિંહના સમર્થનમાં અંદાજે 40થી 45 ધારાસભ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ભરતસિંહ માટે ધારાસભ્યોએ માંગ કરી હતી અને કોંગ્રેસ હાઈકમાન્ડે પરાણે-પરાણે ટીકીટ આપવી પડી છે. એટલે ભરતસિંહ સોલંકીની ઉમેદવારી ધારાસભ્યોની ડિમાન્ડ પ્રમાણે થઈ હોવાની વાત કોંગ્રેસીઓ જણાવી રહ્યા છે. હવે પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ સિનારીયો બદલાઈ શકે છે અને ભરતસિંહની તરફેણમાં રહેલા ધારાસભ્યો પણ આક્રમક જણાઈ રહ્યા છે.

ભરતસિંહે ફોર્મ પાછું ખેંચવાનો ઈન્કાર કરી દેતાં કોંગ્રેસ નેતાઓનું રાવણું અમદાવાદથી જયપુર પહોંચ્યું છે અને ત્યાં ધારાસભ્યોની સેન્સ લેવામાં આવી રહી છે. જો ભરતસિંહની તરફે 40થી 45 ધારાસભ્ય હોવાનો દાવો કરવામાં આવે છે તો ગુજરાતમાં સિંધિયાવાળી થતાં વાર લાગશે નહીં.

ભરતસિંહની તરફેણ કરતાં ધારાસભ્યો ભરતસિંહ સાથે કેટલા વફાદાર છે તેની ગણતરીના ક્લાકોમાં ખબર પડી જવાની છે પણ જો આ 40થી 45 ધારાસભ્યો સાગમટે કોઈ મોટો નિર્ણય કરે છે તો કોંંગ્રેસ માટે એક સીટ જીતવી પણ મુશ્કેલ થઈ શકે છે. કારણ કે કોંગ્રેસ રાજ્યસભાની સીટ જીતવા માટે નિર્ધારિત ધારાસભ્યોની સંખ્યા ગૂમાવી બેસે એવું પણ જાણકારો જણાવી રહ્યા છે અને કોંગ્રેસ પાસે 20 કે 25 ધારાસભ્યો જ રહી જાય તેવી વિષમ સ્થિતિનું નિર્માણ થતાં વાર લાગશે નહીં એવું કોંગ્રેસના વર્તુળો જણાવી રહ્યા છે. આમ પણ રાજીનામું આપનાર ધારાસભ્ય વલ્લભ કાકડીયાના પત્નીએ દાવો કર્યો છે કે ભરતસિંહના કહેવાથી વલ્લભભાઈએ રાજીનામું આપ્યું છે. જો આ વાત સાચી હોય તો ભરતસિંહની લાઈન ઓફ એક્શન ક્લિયર થઈ રહી છે અને તેઓ નવાજૂની કરવાના મૂડમાં હોવાનું લાગી રહ્યું છે. પરંતુ ભરતસિંહના નજીકના સૂત્રો કહી રહ્યા છે કે વલ્લભ કાકડીયાના રાજીનામા પાછળ ભરતસિંહનો દોરીસંચાર નથી.