ફોર્મ પાછું નહીં ખેંચવા ભરતસિંહ અડગ, જયપુર રિસોર્ટમાં ધારાસભ્યોની ફરી સેન્સ લેવાશે

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસમા કમઠાણ ચાલી રહ્યું છે. એક નહીં પણ પાંચ-પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા કોંગ્રેસ માટે બીજી સીટ જીતવી મુશ્કેલ બની ગઈ છે પણ આંકડાકીય ગણિતમાં હજુ પણ મામલો કોંગ્રેસ માટે લટકતી તલવાર છે અને વધુ ધારાસભ્યો રાજીનામા નહીં આપે તેના માટે શક્તિસિંહ ગોહીલ કે ભરતસિંહ સોલંકી પૈકી એકની પાસે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની કોંગ્રેસ વિચારણ કરી રહી છે.

કોંગ્રેસે આ માટે બીકે હરીપ્રસાદ અને રજનીકાંત પાટીલને ગુજરાત મોકલ્યા છે. ગુજરાત આવ્યા બાદ હાલ કોંગ્રેસના નેતાઓ જયપુર ભણી રવાના થયા છે. કોંગ્રેસના નેતાઓ જયપુર ગયા છે તેની પાછળ કારણ એ છે કે ભરતસિંહ સોલંકીએ પોતાની સાથે 45 કરતાં વધુ ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છે અને ધારાસભ્યો પોતાની સાથે હોય તો ઉમેદવારી ફોર્મ પાછું નહીં ખેંચવા માટે ભરતસિંહ સોલંકી અડગ થયા છે.

કોંગ્રેસના નેતાઓ ભરતસિંહની સાથે જયપુર પહોંચી રહ્યા છે અને ત્યાંના રિસોર્ટમાં રખાયેલા ધારાસભ્યોની સેન્સ લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પહેલાં ઉમેદવાર નક્કી કરતાં પહેલાં ધારાસભ્યોની સેન્સ લેવામાં આવી હતી અને ધારાસભ્યો અર્જુન મોઢવડિયા અને ભરતસિંહ સોલંકીને ઉમેદવાર બનાવવાની માંગ કરી હતી. કોંગ્રેસના નેતાઓ જયપુર પહોંચીને ધારાસભ્યોની ફરી એક વાર સેન્સ લેશે અને ત્યાર બાદ દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ રિપોર્ટ રજૂ કરશે કે શક્તિસિંહ કે ભરતસિંહમાંથી કોણે ઉમેદવારી પાછી ખેંચવાની રહે છે.

સોનિયા ગાંધી પર આખરી નિર્ણય છોડવામાં આવે તો સીધી વાત એ છે કે ગુજરાતમાં સોનિયા ગાંધીના નજીકના મનાતા અહેમદ પટેલ કહેશે તે પ્રમાણે જ બેમાંથી એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચવાનું આવી શકે છે અને એ નામ મોટાભાગે ભરતસિંહ સોલંકીનું હોવાનું કોંગ્રેસ વર્તુળો જણાવી રહ્યા છે.