શંકરસિંહબાપુનો હુંકારઃ રાજ્યસભા ચૂંટણીમાં એનસીપીનો એક વોટ કોંગ્રેસને જ મળશે

ગુજરાતમાં રાજ્યસભાની ચુંટણી આવે છે ત્યારે ત્યારે રાજકિય ઉથલપાથલ થાય છે અને ધારાસભ્યો તૂટે છે. ફરી એકવાર ગુજરાતમાં રાજ્યસભાની ૪ બેઠકોની ચૂંટણી આવી છે. ત્યારે ફરી વાર આવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા વચ્ચે વિધાનસભામાં માત્ર એક જ બેઠક ધરાવનાર એનસીપીનો એક વોટ મેળવવા માટે સત્તાપક્ષ ભાજપ તમામ પ્રયાસો કરશે. પરંતુ આ વખતે ગુજરાતમાં એનસીપીની બાગડોર પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલના હાથમાં હોવાથી અને તેઓ ભાજપને હંફાવવા કટિબધ્ધ છે ત્યારે આ વખતે એનસીપીનો એક વોટ ભાજપના ફાળે જાય તેમ નથી, એમ એનસીપીના સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોએ કહ્યું કે ૨૦૧૭ની ચૂંટણીમાં કુતિયાણા બેઠક પરથી એનસીપીના ઉમેદવાર કાંધલ જાડેજા જીત્યા હતા. સત્તાપક્ષ ભાજપ રાજ્યસભાની ચૂંટણીમાં તેમનો એક વોટ મેળવી લેતું હતું. પરંતુ હવે ગુજરાતમાં શરદ પવારની પાર્ટી એનસીપીનો હવાલો વાઘેલાબાપુ પાસે છે. તેઓ ભાજપના દબાણમાં આવે તેમ નથી. અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી એક છે ત્યારે ગુજરાતમાં પણ એનસીપી કોંગ્રેસની સાથે રહેશે અને આ વખતની રાજ્યસભાની ચૂંટણીમાં એક એક વોટ નિર્ણાયક હોવાથી વાઘેલા દ્વારા વ્હીપ જારી કરીને કાંધલ જાડેજાને કોંગ્રેસને વોટ આપવા મેન્ડેટ અપાશે. અને જો તેઓ નહીં માને અથવા ક્રોસ વોટીંગ કરે તો તેમનું સભ્યપદ જોખમમાં આવી શકે તેમ હોવાથી એનસીપીનો એક વોટ કોંગ્રેસના ફાળે જાય તેવી રણનીતિ વાઘેલાબાપુએ તૈયાર કરી હોવાનું પણ સૂત્રોએ કહ્યું હતું.

ગુજરાત કોંગ્રેસે રાજ્યસભાની બે બેઠકો જીતવા કવાયત કરી શરૂ કરી દીધી છે. કોંગ્રેસના ધારાસભ્યો તુટે તે પહેલાં પાળ બાંધવાનો નેતાઓનો પ્રયાસ શરૂ થઈ ગયો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરશે. ભાજપાએ ત્રીજો ઉમેદવાર ઉભો રાખતાં કોંગ્રેસને પોતાના ધારાસભ્યો તૂટવાનો ડર છે, તેથી હાલ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે.

ધારાસભ્ય તોડોના સમાચાર વચ્ચે ગુજરાતના દિગ્ગજનેતા વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યુ છે. એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે, એનસીપીનો મત કોંગ્રેસ ઉમેદવારને મળશે. અમારું સ્ટેન્ટ ભાજપ સામેનું જ રહેશે. કોંગ્રેસ નક્કી કરશે તે ઉમેદવારને એનસીપી મત આપશે. એનસીપીના ધારાસભ્યને વ્હીપ આપવામાં આવશે.