શોએબ અખ્તર ઉવાચ: “આ લોકોની ચામાચીડિયા ખાવાની સજા આખી દુનિયા ભોગવી રહી છે”

કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં હજારો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આ રોગચાળાને કારણે વિશ્વની ગતિ થંભી ગઈ છે. કોરોનાના ભયાનક પ્રકોપના કારણે અનેક રમત આયોજનો રદ્દ કરી દેવા પડ્યા છે. પાકિસ્તાનનાં ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે આ સ્થિતિ માટે ચીનને દોષી ઠેરવ્યું છે. શોએબ અખ્તરે તેની યૂટ્યૂબ ચેનલ પર વીડિયો શેર કરીને ચીન પર જોરદાર હુમલો કર્યો છે.

શોએબ અખ્તરે કહ્યું, ‘તમારે બેટ(ચામાચીડિયુ) ખાવાની અથવા તેનું લોહી અને પેશાબ પીવાની શું જરૂર છે? આને કારણે સમગ્ર વિશ્વમાં વાયરસ ફેલાયો છે. હું ચીની લોકો વિશે વાત કરું છું. તેઓએ આખી દુનિયાને મુશ્કેલીમાં મુકી દીધી છે. હું સમજી શકતો નથી કે તમે કેવી રીતે બેટ, કૂતરા અને બિલાડીઓ ખાઈ શકો છો. હું ખરેખર ખૂબ ગુસ્સે છું.

શોએબ અખ્તરે કહ્યું કે, ‘ખતરો આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. પર્યટનને મોટો ઝટકો લાગ્યો છે. અર્થવ્યવસ્થા પર પણ ખૂબ ખરાબ અસર પડી છે અને આખી દુનિયા કેદ થઈ રહી છે.

અખ્તરે કહ્યું, ‘હું ચીની લોકોની વિરુદ્ધ નથી, પણ હું આ પ્રકારની જીવનશૈલીની વિરુદ્ધ છું. હું સમજી શકું છું કે આ તેમની સંસ્કૃતિ હોઈ શકે છે, પરંતુ તમને તેનો ફાયદો નથી થઈ રહ્યો.

અખ્તરે કહ્યું  કે આ માનવતાને મારવા જેવું છે. હું એમ નથી કહી રહ્યો કે તમે આ ચીની લોકોનો બહિષ્કાર કરો પરંતુ કેટલાક કાયદા હોવા જોઈએ. તમે કંઈપણ અને બધું જ ખાઈ શકો નહીં.

અખ્તરે કહ્યું કે જ્યારે ઉપરવાળાએ ઘણી વસ્તુઓ ખાવા માટે બનાવેલી છે, તો તમારે આવી વિચિત્ર વસ્તુઓ ખાવાની જરૂર શું છે? ક્યારેક ચામાચીડીયા ખાઇ રહ્યા છે, કૂતરાઓ ખાઈ રહ્યા છે, તો બિલાડીઓ ખાઇ રહ્યા છે, તો ક્યારેક તેઓ કશુંક ને કશુંક અજુગતું ખાઇ રહ્યા છે.