નાલેશીથી બચવા કોંગ્રેસનો નવો દાવ: બેમાંથી એકની પાસે ફોર્મ પાછું ખેંચાવી લેવા ધમાચકડી

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ફારેગ થઈ રહેલા ચાર સાંસદોની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે ત્રીજા ઉમેદવારને ઉભો રાખતા કોંગ્રેસની નેતાગીરી ઉપરતળે થઈ ગઈ છે. આજે ચાર ધારાસભ્યોના રાજીનામાને લઈ કોંગ્રેસના નેતાઓ દોડતા થઈ ગયા છે અને રાજુલાના મોરારી બાપૂના કાર્યક્રમમાંથી કોંગ્રેસના નેતાઓ સીધા અમદાવાદ પહોંચી રહ્યા છે અને બદલાયેલા સમીકરણો પર ચર્ચા કરી રહ્યા છે.

હાલ કોંગ્રેસના બે ઉમેદવાર છે અને બીજી સીટ જીતવા માટે એકડના કટોકટ વોટ છે. આવામાં ચાર ધારાસભ્યો જતા રહેતા કોંગ્રેસ માટે બીજી સીટ જીતવી મુશ્કેલ બની રહી છે અને ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનની જીત પાક્કી ગણવામાં આવી રહી છે.

એક પછી એક ધારાસભ્યો તૂટી રહ્યા હોવાથી કોંગ્રેસ હાઈ કમાન્ડ હરકતમાં આવ્યું છે અને ધારાસભ્યોને તૂટતા બચાવી લેવા માટે કોંગ્રેસ શક્તિસિંહ ગોહીલ અને ભરતસિંહ સોલંકી પૈકી કોઈ એક ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવાની વ્યૂહરચના પર વિચારણા કરી રહી છે.

આવતીકાલથી ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને 18મી માર્ચ ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની અંતિમ તારીખ છે. કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે વધુ ધારાસભ્યો નહીં તૂટે અને કોંગ્રેસની નાલેશી ન થાય તેના માટે બે પૈકી એકની પાસે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચાવી લેવામાં આવે.

બદલાયેલી સ્થિતિમાં શક્તિસિંહ ગોહીલ કોંગ્રેસના પ્રથમ ક્રમના ઉમેદવાર છે અને સેકન્ડ નંબરે ભરતસિંહ સોલંકી છે. એટલે કે એકડા વોટ માટે દેખીતી રીતે શક્તિસિંહ ગોહીલ કોંગ્રેસના ઉમેદવાર બને છે અને ભરતસિંહને લીલા તોરણે ફોર્મ ખેંચવાની નોબત આવી શકે છે.

પણ અહીંયા કોંગ્રેસ માટે જોખમ એ છે કે ફોર્મ પાછું ખેંચવાનું આવે તો ફોર્મ કોનું ખેંચવામાં આવે. હાલ રાજીવ સાતવ, અમિત ચાવડા, અર્જુ મોઢવડિયા સહિતના નેતાઓ અમદાવાદમાં આ અંગે વિચારણા કરી રહ્યા છે અને એક બે દિવસમાં સ્ટ્રેટેજી વર્કઆઉટ કરી નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.