ગુજરાતમાં કોંગ્રેસને મોટો આંચકો, રાજ્યસભાની ચૂંટણી પહેલાં ચાર ધારાસભ્યોના રાજીનામા

રાજ્યસભાની ચૂંટણીની આડે દસ દિવસ બાકી છે ત્યારે ગુજરાત કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપી દેતાં કોંગ્રેસ માટે કફોડી સ્થિતિ સર્જાઈ છે. જોકે, ક્યા ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તે કન્ફર્મ થઈ રહ્યું નથી. હજુ સુધી તેમના નામો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી.

જો કે સૂત્રોના જણાવ્યા મુજબ રાજીનામા આપનારા કોંગ્રેસ ચાર ધારાસભ્યોમાં બે ધારાસભ્ય તરીકે જેવી કાકડીયા અને સોમાભાઈ પટેલ હોવાની ચર્ચા ચાલી રહી છે. આ બન્ને ધારાસભ્યો બે દિવસથી ગાયબ છે અને કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં આવી રહ્યા નથી. આ ઉપરાંત મંગલ ગાવિત અને પ્રદ્યુમ્નસિંહ જાડેજાનું નામ પણ રાજીનામું આપનારા ધારાસભ્ય તરીકે ચર્ચાઈ રહ્યું છે. જોકે, બે દિવસ પહેલા મંગલ ગાવિતે અમારી સાથે ફોન પર વાત કરી હતી અને પોતે ડાંગના વઘઈમાં હોવાનું જણાવ્યું હતું.

મધ્યપ્રદેશના રાજકીય જંગમાં રાજ્યસભા ચૂંટણીને ધ્યાને રાખીને ગુજરાતમાં અગમચેતીના પગલા ભરવાની શરૂઆત કરવામાં આવી હતી. શનિવારે કોંગ્રેસે પોતાના 14 ધારાસભ્યોને જયપુર શિફ્ટ કરવાનું નક્કી કર્યું હતું અને આજે આ ધારાસભ્યો જયપુરની ફાઈવ સ્ટાર હોટલ શિવ વિલાસમાં રોકાયા છે.

ચાર ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ પોતાના 20થી 22 ધારાસભ્યોને પણ જયપુર લઈ જવાનું વિચારી રહી છે. ચાર ધારાસભ્યો સહિત કોંગ્રેસના 10થી 12 ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. આ પહેલાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે અને રાજ્યપાલે આવતીકાલે ફ્લોર ટેસ્ટ માટે ફરમાન જારી કર્યું છે.