સુરતનાં રાંદેર અને લીંબાયત વિસ્તારમાં અશાંત ધારો લાગુ

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવી એ મારી નૈતિક ફરજ છે, સાથે-સાથે નાગરિકોને કોઈ ખોટી રીતે હેરાન કરીને અને ધાક ધમકીથી મિલકતો પચાવી ન પાડે તે માટે પણ રાજ્ય સરકાર સતત ચિંતિત છે. જેના ભાગરૂપે સુરત શહેરના લિંબાયત અને રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનું રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

ગૃહ મંત્રીએ ઉમેર્યુ કે કે રાજ્યમાં કોમી એખલાસનું વાતાવરણ જળવાઈ રહે અને ભાઈચારાની ભાવના વધુ બળવત્તર બને  તે માટે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સતત ચિંતા કરીને આ માટે સતત માર્ગદર્શન આપી રહ્યા છે ત્યારે સુરત શહેરના આ વિસ્તારોમાં મળેલ રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે .રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલ સાથે પણ જરૂરી પરામર્શ કર્યા બાદ આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવાયું છે